- અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય
- શાહીબાગ સ્થિત BAPS મંદિર 30 નવેમ્બર સુધી બંધ રહેશે
- BAPS મંદિર સહિત તમામ સંસ્કારધામ પણ 30 નવેમ્બર સુધી બંધ રહેશે
અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. હવે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખતા શાહીબાગ સ્થિત BAPS મંદિરને 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. BAPS મંદિર સાથે તમામ સંસ્કારધામ પણ 30 નવેમ્બર એટલે કે સોમવાર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ BAPS શાહીબાગ મંદિરના કોઠારી સ્વામી સાધુ આત્માકીર્તિદાસે તમામ હરીભક્તોને કોરોના વાઇરસની ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવા માટે પણ અપીલ કરી છે.
હરિભક્તો મંદિર બંધ હોવાથી આજથી જ બહારથી દર્શન કરી રહ્યા છે. હરિભક્તોએ આ નિર્ણય અંગે કહ્યું હતું કે, મંદિર દ્વારા જે નિર્ણય લેવાયો છે તે જનહિતમાં લેવાયો છે. જે સારો નિર્ણય છે. ઇશ્વરમાં શ્રદ્વા હોય તો બહાર ઉભા રહીને પણ દર્શન થઇ શકે છે.
આપને જણાવી દઇએ કે, દિવાળી પર્વ નિમિત્તે અમદાવાદના શાહીબાગ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં, ભગવાન સ્વામિનારાયણને અન્નકુટ ધરાવાયો હતો. કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે મંદિરમાં ભક્તો, સત્સંગીઓ અને દર્શનાર્થીઓ માટે કોવિડ-19ના દિશા નિર્દેશના પાલન સાથે દર્શન કરવા દેવાયા હતા.
નોંધનીય છે કે મંદિર ખાતે વાનગીઓનો અન્નકુટ ધરાવાયો હતો. દિવાળીના પર્વ નિમિત્તે દેશ વિદેશના BAPS સ્વામિનારાયણ મંદિરમાં ઠાકોરજી સમક્ષ ગોવર્ધન પૂજા સહિતની વિશેષ પૂજા પણ કરવામાં આવી હતી.
(સંકેત)