રાંચી: ધર્મ વિશેષ સામે વાંધાજનક ટીપ્પણી કરવાના મામલામાં સશર્ત જામીન પર જેલમાંથી બહાર નીકળેલી રાંચીના પિઠોરિયાની ઋચા ભારતી કુરાન વહેંચશે નહીં. તે અદાલતના કુરાન વહેંચવાના આદેશને ઉપરની અદાલતમાં પડકારશે. મંગળવારે ઋચા ભારતીના ઘર પર તેને મળનારાઓની ભીડ જામી હતી. ભાજપના નેતા અને હિંદુ સંગઠનોના નેતા તેને મળવા માટે પહોંચ્યા હતા. પત્રકારો પણ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. ઉપરાઉપરી સવાલો પણ તેને પુછવામાં આવ્યા હતા.
રાંચી વુમન્સ કોલેજના બીકોમ થર્ડ ઈયરમાં ભણનારી ઋચા સવાલોથી જરા પણ ગભરાઈ ન હતી. નીડરતાથી તેણે પોતાની વાત રજૂ કરી હતી. તેણે કહ્યું હતું કે પ્રશાસનની કાર્યવાહી એકતરફી છે. અમે તો પોસ્ટને શેર કરી હતી. પોસ્ટ કરનારા હજીપણ બહાર છે. બીજી વાત પ્રકરણ બાદ સોશયલ સાઈટ પર મને ઘણી ગાળો પડી હતી. ગાળ આપવી ગુનો છે, તો પ્રશાસને તેમના ઉપર કેમ કાર્યવાહી કરી નથી?
ઋચા ભારતીએ કહ્યું છે કે અદાલતના આદેશ વિરુદ્ધ તે ઉપરની અદાલતમાં અપીલ કરશે. અમે કોઈપણ ધર્મના અપમાન કર્યું નથી. સોશયલ સાઈટ પર આવા પ્રકારની હજારો પોસ્ટ ભરેલી પડી છે. અમે આને લખ્યું નથી. એક ગ્રુપમાંથી પોસ્ટ આવી તો શેયર કરી હતી. અમારી બસ આટલી જ ભૂલ છે. મને કુરાન વહેંચવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ આ મારા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. મને મારો ધર્મ માનવાનો અધિકાર છે.
ઋચા ભારતીએ કહ્યું છે કે મને જેવી સજા આપવામાં આવી છે, શું એવી જ સજા તેમને આપવામાં આવે છે જે હિંદુ ધર્મ વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરે છે અથવા તસવીરો પોસ્ટ કરે છે. મોટો સવાલ છે કે શું તેમને હનુમાન ચાલીસા વાંચવા અથવા દુર્ગાજીની પૂજા કરવાનું કહેવામાં આવશે, તો તેઓ આને માનશે. ઋચા ભારતીએ કહ્યું છે કે ગત ત્રણ વર્ષોથી સોશયલ સાઈટ પર એક્ટિવ છું. ફેસબુક, વ્હોટ્સએપ વગેરે સોશયલ મીડિયા સાથે જોડાયેલી છું. દેશની જવાબદાર નાગરીક હોવાને કારણે તમામ જ્વલંત મુદ્દાઓ પર સોશયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય રજૂ કરું છું. કારણ વગર મુદ્દાને ચગાવવામાં આવ્યો છે.
દેશની સામે સમસ્યાઓ શું છે. આ સવાલ પર કહ્યુ કે બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમોથી દેશની સુરક્ષાને ખતરો છે. આ સાચું છે. જો તેમના પર સવાલ કરવામાં આવે, તો ભારતીય મુસ્લિમોને ખરાબ લાગવું જોઈએ નહીં. દેશની વસ્તી બેફામપણે વધી રહી છે. શું દેશનો યુવાવર્ગ આના પર પોતાનો અભિપ્રાય રજૂ કરી શકે નહીં. શું આ ગુનો છે? પોતાના જેલમાં જવા પર ઋચા ભારતીએ કહ્યું છે કે અમે તો વિચાર્યું પણ ન હતું કે આટલી વાત માટે કોર્ટ કચેરીના ચક્કર લગાવવા પડશે. પોલીસે જેવી ઝડપ આ પ્રકરણમાં દર્શાવી છે, તેવી જ ચીવટતા અન્ય મામલામાં કેમ નથી દર્શાવી?
ઋચા ભારતીએ કહ્યું છે કે હિંદુ ધર્મની વિરુદ્ધ જ્યારે બેફામ લખાણ લખવામાં આવે છે, તો તેના પર પણ કાર્યવાહી થવી જોઈએ. એકતરફી કાર્યવાહી શું સંદેશ આપશે. આજે જેટલા લોકોનો પ્રમે મને મળી રહ્યો છે, તેનાથી મને શક્તિ મળી છે. મનમાં કોઈ ડર નથી. ત્રણ ભાઈ-બહેનોમાં ઋચા ભારતી સૌથી મોટી છે. રાજનીતિથી તેનો દૂરદૂર સુધી કોઈ સંબંધ નથી. તેને સવાલ કરવામાં આવ્યો કે શું તે રાજનીતિમાં આવવા માંગે છે. તો તેના જવાબમાં તેણે ક્હ્યું કે કેમ નહીં, પિતાની મંજૂરી મળશે તો જરૂર રાજનીતિમાં આવીશ. જો કે અત્યાર સુધી આવો કોઈ ઈરાદો નથી. હાલ તો કારકિર્દી પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
સોમવારે સાંજે જેલમાંથી નીકળ્યા બાદથી ઋચા ભારતીના પિઠોરિયા ખાતેના ઘર પર શુભચિંતકોની ભીડ એકઠી થઈ હતી. મંગળવારે સવારથી જ ગામના લોકો સાથે સગા-સંબંધી પહોંચવા લાગ્યા હતા. દિવસભર વિભિન્ન સમાજીક અને ધાર્મિક સંગઠનો સાથે જોડાયેલા નેતાઓનું આવાગમન ચાલતું રહ્યું હતું. સંગઠન સાથે જોડાયેલા વકીલ મામલાની તપાસમાં લાગેલા રહ્યા છે. સાંજે ભાજપના પ્રદેશ પ્રવક્તા પ્રતુલ નાથ શાહદેવ પણ ઋચા અને તેના માતાપિતાને મળવા માટે આવ્યા હતા. તેમણે દરેક શક્ય કાયદાકીય સહયોગ ઉપલબ્ધ કરાવવાનો ભરોસો આપ્યો હતો.
12 જુલાઈના રોજ સોશયલ સાઈટ પર વિવાદીત પોસ્ટ શેર કરવાના આરોપમાં ઋચા ભારતીને જેલમાં મોકલી દેવામાં આવી હતી. સોમવારે ન્યાયિક દંડાધિકારી મનીષકુમાર સિંહની અદાલતે સશર્ત જામીન આપ્યા હતા. જામીન પર સુનાવણી દરમિયાન ન્યાયિક દંડાધિકારીએ આરોપીને 15 દિવસની અંદર પાંચ કુરાન વહેચંવાનો આદેશ આપ્યો હતો. ઋચા ભારતીની વિરુદ્ધ સદર અંજુમન કમિટી, પિઠોરિયા દ્વારા 12 જુલાઈના રોજ એફઆઈઆર નોંધાવામાં આવી હતી. અંજુમન કમિટીએ પોસ્ટના કારણે કોમવાદી તણાવ ભડકવાની આશંકા વ્યક્ત કરી હતી.