કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. વાયનાડથી તેમના ભાઈ અને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે. વાયનાડમાં જનસભાને સંબોધતા પ્રિયંકાએ કહ્યું, 5 વર્ષ પહેલા પૂર્ણ બહુમત સાથે કેન્દ્રમાં આવેલી ભાજપ સરકારે લોકોના વિશ્વાસને દગો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી આ વખતે ઉત્તરપ્રદેશના અમેઠીની સાથે જ વાયનાડથી પણ ચૂંટણી લડી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે કેરળની આ સીટ પરથી ચૂંટણી લડીને તેઓ દક્ષિણ ભારતમાં પાર્ટીની સ્થિતિને મજબૂત કરવા માંગે છે.
વાયનાડમાં પ્રિયંકાએ કહ્યું, “5 વર્ષ પહેલા એક પૂર્ણ બહુમતવાળી સરકાર સત્તામાં આવી. આપણા દેશના લોકોએ ભાજપ સરકારમાં પોતાનો વિશ્વાસ અને આશાઓને મૂક્યાં. તે સરકારે સત્તામાં આવ્યા પછીથી જનતાના તે વિશ્વાસને દગો આપવાનો શરૂ કરી દીધો. બીજેપી માનવા લાગી કે સત્તા તેમની જ છે લોકોની નહીં. તેનો પહેલો સંકેત ત્યારે મળ્યો જ્યારે બીજેપી અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી પછી દરેક ખાતામાં 15 લાખ રૂપિયા આપવાની જાહેરાતને જુમલો કહ્યો હતો.”
પ્રિયંકા ગાંધીએ કહ્યું, રાહુલ ગાંધી અહીંયા (વાયનાડ)માં હશે. તેમણે વ્યક્તિગત હુમલાઓનો સામનો કર્યો છે. તેઓ તેના ચરિત્રને ચિત્રિત કરે છે જે સત્યથી ઘણું દૂર છે. મારો ભાઈ રાહુલ મારાથી 2 વર્ષ મોટો છે. તે મારા જીવનની સૌથી સુંદર અને સૌથી દર્દનાક ક્ષણોનો સહયોગી છે. રાહુલ જ્યારે 14 વર્ષના હતા ત્યારે ઇંદિરાજીની હત્યા કરી દેવામાં આવી હતી. અમારો પરિવાર એકસાથે રહ્યો. 7 વર્ષો પછી જ્યારે તે વિદેશમાં ભણી રહ્યો હતો ત્યારે પિતાની હત્યા કરી દેવામાં આવી. પરંતુ આ સંકટની ઘડીમાં પણ રાહુલે કહ્યું કે તેના દિલમાં કોઈ ગુસ્સો નથી.
પ્રિયંકાએ કહ્યું કે પિતાની હત્યા પછી રાહુલે પોતાને મજબૂત કરવાનો નિર્ણય કર્યો. તેમણે મહેનતથી અભ્યાસ કર્યો અને 2004માં અમેઠીથી ચૂંટણી લડવા માટે દેશ પાછા ફર્યા. તેમણે સંગઠનને મજબૂત કરવાનો નિર્ણય કર્યો. અમે અમારી બહેનોની મદદ માટે અમેઠીમાં એક સ્વયં સહાયતા સમૂહ શરૂ કર્યો. જ્યારે મારા ભાઈએ અમેઠીમાં તે કાર્યક્રમને આગળ વધાર્યો તો આજે 10 લાખ લોકોને તેનો લાભ મળી રહ્યો છે.