ગુજરાતમાં મેઘમહેર, તાપીના દોલવનમાં સવા પાંચ ઈંચ વરસાદ
- 12 તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ
- 24 કલાકમાં 162 તાલુકામાં નોંધાયો વરસાદ
- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તાપીના દોલવનમાં સૌથી વધારે સવા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. તેમજ ખેતરમાં ઉભા પાકને નવુ જીવતદાન મળશે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સુરતના ઉમરપાડામાં અને બનાસકાંઠાના દાંતામાં 3 ઈંચ, નર્મદાના ડેડીયાપાડામાં અઢી ઈંચ, બનાસકાંઠાના અમીરગઢ, દાંતીવાડા અને સુરતના મહુવામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. આવી જ રીતે પાટણ જિલ્લાના સરસ્વતિ અને સિદ્ધપુર, નવસારીના વાસદા, સાબરકાંઠાના પોશિના અને ડાંગના વધઇમાં બે ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો. રાજ્યના 12 તાલુકામાં બે ઈંચ કરતા વધારે અને 38 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.
ગુજરાતના હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે. ઉત્તર ગુજરાતમાં ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે મધ્ય ગુજરાતમાં વડોદરા અને અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. તેમજ દરિયાકાંઠાના જિલ્લાઓમાં માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે.