અમદાવાદમાં વરસાદ, અનેક સ્થળોએ ભરાયાં પાણી
અમદાવાદઃ શહેરમાં આજે સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું અને ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેથી સવારે નોકરી જનારો વર્ગ મુશ્કેલીમાં મુકાયો હતો. મોડી રાતે પણ અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા.
અમદાવાદ શહેરમાં રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના ગોમતીપુર, નિકોલ, નરોડા, ચાંદખેડા, મોટેરા, સરદારનગર, મેમ્કો, નારણપુરા, ઘાટલોડિયા, નારોલ, ઈસનપુર, વટવા, ઘોડાસર, જશોદાનગર, રામોલ, સરખેજ, ગોતા, રાણીપ, ન્યુ રાણીપ, નારણપુરા, ઘાટલોડિયા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં સરેશાર એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે આનંદનગર રોડ ઉપર પાણી ભરાયાં હતા. આ ઉપરાંત કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયાં હતા. શહેરમાં ઓઢવમાં 1 ઇંચ, વિરાટ નગરમાં દોઢ ઇંચ, પાલડી-ઉસ્માનપુરામાં 1-1 ઇંચ, સરખેજ, મેમ્કો, દુધેશ્વર, રાણીપમાં 2-2 ઇંચ, ચાંદખેડા, અડધો ઇંચ, મણિનગરમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. દરમિયાન આજે સવારથી જ અમદાવાદમાં વરસાદી વાતાવરણ રહ્યું હતું. તેમજ ધીમીધારે વરસાદ વરસ્યો હતો જેથી રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતા.