- બે સપ્તાહ વિલંબથી રફાલની મળશે ડિલીવરી
- હવે 8 ઓક્ટોબરે ભારતને મળશે રફાલ યુદ્ધવિમાન
- રિસીવ કરવા ફ્રાંસ જશે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ
ફ્રાંસના યુદ્ધવિમાન રફાલ નજીકના ભવિષ્યમાં ભારતીય વાયુસેનામાં સામેલ થવાના છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ રફાલ યુદ્ધવિમાનને રિસીવ કરવા માટે ખુદ ફ્રાંસ જશે. પહેલા આ વિમાન ભારતને 20મી સપ્ટમ્બેર મળવાના હતા. પરંતુ હવે તેની તારીખને થોડી લંબાવી દેવામાં આવી છે. હવે ભારતને 8 ઓક્ટોબરે રફાલ યુદ્ધવિમાનો મળશે.
રાજનાથ સિંહ વાયુસેનાની એક ટુકડી સાથે 8 ઓક્ટોબરે ફ્રાંસ જવાના છે. મહત્વપૂર્ણ છે કે તે દિવસે વાયુસેના દિવસ પણ છે. તો આઠમી ઓક્ટોબરે વિજયાદશમી પણ છે. તેવામાં ભારતને મળનારા રફાલ યદ્ધવિમાનની તારીખ ઐતિહાસિક બનવા જઈ રહી છે. મહત્વપૂર્ણ છે કે વિજયાદશમીના દિવસે ઘણાં સ્થાનો પર શસ્ત્રપૂજન કરવામાં આવે છે. તેવામાં ભારતને આ દિવસે તેનું સૌથી મોટું હથિયાર મળવાનું છે.
રાજનાથ સિંહ ફ્રાંસના બોર્ડેક્સમાં એક મેન્યુફેક્ચરિંગ પ્લાંટમાં પણ જશે. જ્યાં તેઓ રફાલ રિસીવ કરવા જવાના છે. સંરક્ષણ પ્રધાન સાથે વાયુસેનાની એક ટુકડી પણ જશે, તે રફાલને રિસીવ કરવાની આખી પ્રક્રિયાને પૂર્ણ કરશે. આ સિવાય વાયુસેનાના ફાઈટર પાયલટ પણ આ ટીમની સાથે ફ્રાંસ જશે.
મહત્વપૂર્ણ છે કે રફાલ યુદ્ધવિમાનનો સોદો ગત કેટલાક વર્ષોમાં સૌથી ચર્ચિત અને વિવાદીત સોદામાંથી એક છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર પર આ ડીલમાં ગોટાળાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની લગભગ તમામ રેલીમાં આ સોદાને ટાંકીને વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા હતા. પરંતુ તેમને આમા સફળતા મળી ન હતી.
જો વાત રફાલની કરવામાં આવે, તો ભારતે પણ આની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વાયુસેના પોતાની ગોલ્ડન એરોજ 17 સ્ક્વોર્ડનને ફરીથી શરૂ કરવા જઈ રહી છે. જે બહુપ્રતિક્ષિત રફાલ યુદ્ધવિમાનનું ઉડ્ડયન કરનાર પહેલું યુનિટ હશે.
વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ બી. એસ. ધનોઆ અંબાલા એરફોર્સ સ્ટેશન પર એક સમારંભમાં 17 સ્ક્વોર્ડનને ફરીથી શરૂ કરશે. જેને રફાલ યુદ્ધવિમાનની દેશમાં આવવા પર તેને રિસીવ કરવાની તૈયારી માનવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે રફાલ યુદ્ધવિમાનની તેનાતી હાલ અંબાલા એરફોર્સ સ્ટેશન પર જ કરવામાં આવશે.
ભારતે સપ્ટેમ્બર-2016માં ફ્રાંસ સાથે એક સમજૂતી કરીને 58 હજાર કરોડ રૂપિયામાં 36 રફાલ યુદ્ધવિમાનની ખરીદી કરી હતી. વાયુસેનાની ટુકડી પહેલા જ ફ્રાંસની મુલાકાત લઈ ચુકી છે. આના પહેલા ગત વર્ષ સપ્ટેમ્બરમાં ભારતીય વાયુસેનાની 6 સદસ્યોની ટીમે ફ્રાંસના દસોલ્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટની મુલાકાત લીધી હતી.