અમદાવાદમાં સી-પ્લેન પ્રોજેક્ટની તૈયારીઓ વેગવંતી, કેન્દ્રીય ટીમે રિવરફ્રન્ટનું કર્યુ નિરીક્ષણ
અમદાવાદઃ પ્રવાસન સ્થળોના વિકાસ માટે સરકાર સતત પ્રત્નશીલ છે. દરમિયાન ગુજરાતમાં સી-પ્લેન પ્રોજેક્ટના અમલની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. તેમજ સાબરમતી રિવરફ્રન્ટ પાસે જમીન સંપાદન કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. દરમિયાન દિલ્હીથી એવિએશન વિભાગની ટીમે અમદાવાદ ખાતે ધામા નાંખ્યા હતા. તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નિરીક્ષણ કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં સી-પ્લેન પ્રોજેક્ટના અમલની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી. જે અંતર્ગત ગુજરાત, મહારાષ્ટ્ર અને બિહાર સહિત પાંચ રાજ્યોમાં આ પ્રોજેક્ટ અમલમાં મુકવાની કામગીરી શરૂ કરાઈ હતી. ગુજરાતમાં સાબરમતી રિવરફ્ન્ટ, ધરોઇ ડેમ અને સરકાર સરોવર ડેમ ખાતે આ પ્રોજેકટ અમલ કરાશે. દરમિયાન એવિએશન વિભાગના અધિકારીઓ સી-પ્લેનનું ટર્મિનલ બનાવવાનું છે તે સ્થળે સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા માટે પોલીસ સાથે આવ્યા હતા.રિવરફ્રન્ટના પશ્ચિમ તરફ આંબેડકર બ્રિજ પાસે સી-પ્લેનનું ગ્રાઉન્ડ પ્લસ વન ફ્લોરનું ટર્મિનલ બનાવવામાં આવશે. અહીં કયા કયા પ્રકારની સુરક્ષા ધ્યાને રાખવી તે અંગે સ્થળ પર જ ચર્ચા થઈ હતી. સાબરમતી રિવરફ્ન્ટ પર એવિએશન વિભાગ, પોલીસ ,એએમસી અને સિંચાઈ વિભાગની અધિકારીઓએ મુલાકાત કરી સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતુ. જમાલપુર બ્રિજથી દાણીલીમડા બ્રિજ વચ્ચે સી પ્લેન પ્રોજેકટ માટે મથક ઉભુ કરાશે.