મુંબઈ: ક્યારેક અંડરવર્લ્ડને થથરાવનારા મહારાષ્ટ્રના ફાયરબ્રાન્ડ પોલીસ અધિકારી પ્રદીપ શર્માએ મહારાષ્ટ્ર પોલીસ સેવામાંથી ગુરુવારે રાજીનામું આપી દીધું છે. પ્રદીપ શર્માના નામે 100થી વધારે અપરાધીઓના એન્કાઉન્ટર નોંધાયેલા છે. તેમને અંડરવર્લ્ડના નેટવર્કની ઘણી સારી જાણકારી છે. ઠાણે ક્રાઈમ બ્રાંચમાં તેનાતી દરમિયાન તેમણે ઘણાં મહત્વપૂર્ણ કેસો ઉકેલ્યા હતા.
પ્રદીપ શર્મા હાલના સમયગાળામાં ઠાણે ક્રાઈમ બ્રાંચમાં પોસ્ટેડ હતા. જણાવવામાં આવે છે કે તેઓ હવે રાજકારણના અખાડામાં ઉતરીને પોતાનું નસીબ અજમાવશે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ શિવસેનાની ટિકિટ પર ચૂંટણી લડે તેવી શક્યતા છે.
પ્રદીપ શર્માએ 1983માં મહારાષ્ટ્ર પોલીસ સેવા જોઈન કરી હતી. તેમની બેચમાં અન્ય બે ધુરંધર એન્કાઉન્ટર સ્પેશયાલિસ્ટ સામેલ હતા. તેમાના એક શહીદ વિજય સાલસ્કર હતા અને બીજા પ્રફુલ્લ ભોંસલે છે.
પ્રદીપ શર્મા, પ્રફુલ્લ ભોંસલે અને શહીદ વિજય સાલસ્કર ત્રણેય મહારાષ્ટ્ર પોલીસની 1983ની બેચના અધિકારી હતા. આ ત્રણેય બદમાશોને ઢેર કરવાના મામલામાં આખા દેશ માટે આદર્શ રહી ચુક્યા છે. તેના કાણે 1983ની મહારાષ્ટ્ર પોલીસને કિલર બેચ કહેવામાં આવે છે. આ બેચના અધિકારીઓએ દાઉદ ઈબ્રાહીમ, છોટા રાજન અને અરુણ ગવલી જેવા ખતરનાક અંડરવર્લ્ડ ડૉનની ગેંગ્સના 300થી વધારે ગુંડાઓને મોતને ઘાટ ઉતાર્યા છે.
1990માં મુંબઈ ક્રાઈમ બ્રાંચે અંડરવર્લ્ડની ગતિવિધિઓને સમાપ્ત કરવા માટે કેટલાક પોલીસકર્મીઓને ફ્રી હેન્ડ આપ્યો હતો. તેના પછી કેટલાક વર્ષોમાં 300થી વધારે ગેંગસ્ટરોના એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતા. આવા એન્કાઉન્ટર્સને લઈને બોલીવુડમાં પણ ઘણી ફિલ્મો બની ચુકી છે. તેમા અબ તક છપ્પન ફિલ્મ ઘણી ફેમસ થઈ હતી. આ ફિલ્મમાં નાના પાટેકરે એન્કાઉન્ટર સ્પેશયાલિસ્ટ દયા નાયકની ભૂમિકા કરી હતી.
2008માં પ્રદીપ શર્માને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમના પર આરોપ હતો કે લખન ભૈયા ગેંગસ્ટરનું ફેક એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. તેમા અન્ય 13 પોલીસ અધિકારીઓને એરેસ્ટ કરીને તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કોર્ટ કેસમાં જીત્યા બાદ 2013માં તેઓ ફરીથી પોલીસ સેવામાં જોડાયા હતા. 2017માં દાઉદ ઈબ્રાહીમના ભાઈ ઈકબાલ કાસ્કરની ધરપકડ વખતે ફરી એકવાર પ્રદીપ શર્મા ચર્ચામાં આવ્યા હતા.