પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ અને તેના અધ્યક્ષ તથા રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને ભાજપે લોકસભા ચૂંટણીમાં જોરદાર ટક્કર આપીછે. તેના પછી પણ ભાજપ પશ્ચિમ બંગાળમાં પોતાની જમીન મજબૂત કરવા માટે મેદાનમાં લાગેલું છે. ભાજપના કાર્યકર્તાઓ દેશભરમાં મમતા બેનર્જી વિરુદ્ધ જય શ્રીરામની મુહિમ ચલાવી રહ્યા છે. આ મુહિમ હેઠળ ભાજપ 10 લાખ પોસ્ટકાર્ડ પર જય શ્રીરામ લખીને મમતા બેનર્જીને તેમના સત્તાવાર નિવાસસ્થાન પર મોકલી રહ્યા છે. બીજી તરફ મમતા બેનર્જી તરફથી પણ પલટવાર કરતા પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના સત્તાવાર નિવાસસ્થાન પર લગભગ 20 લાખ પોસ્ટકાર્ડ મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે.
ટીએમસી પોતાના પોસ્ટકાર્ડ પર જય શ્રીરામના બદલે જય બાંગ્લા અને જય હિંદ લખીને મોકલી રહી છે. પશ્ચિમ બંગાળ સરકારમાં પ્રધાન જ્યોતિપ્રિયા મલિકે ધ ટેલિગ્રાફને જણાવ્યું છે કે દીદીએ અમને ભાજપની વિભાજનકારી રાજનીતિનો જવાબ તેમની જ ભાષામાં આપવા માટે જણાવ્યું છે. તેના પ્રમાણે પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને 20 લાખ પોસ્ટકાર્ડ મોકલવામાં આવશે. એટલે કે બંને પક્ષો દ્વારા લખનારા પોસ્ટકાર્ડની કુલ સંખ્યા 30 લાખ થશે.
આ પોસ્ટકાર્ડ વોરમાં પબ્લિકને ત્રણ કરોડ 49 લાખ 50 હજાર રૂપિયાથી વધુનો ચુનો લાગવાનું અનુમાન છે. સરકારી આંકડા પ્રમાણે, એક પોસ્ટકાર્ડના ઉત્પાદન પર લગભગ 12.15 રૂપિયાનો ખર્ચ આવે છે, જ્યારે તેનાથી માત્ર 50 પૈસાની આવક થાય છે. એટલે કે પ્રતિ પોસ્ટકાર્ડ 11.65 રૂપિયાનું નુકસાન થાય છે. આ આંકડો 2016-17 પર આધારીત છે. 2019-20માં આ આંકડો વધારે થવાની શક્યતા છે. આ દ્રષ્ટિએ કુલ ત્રીસ લાખ પોસ્ટકાર્ડ પર સરકારી ખજાનાને લગભગ 3.5 કરોડ રૂપિયાનો ચુનો લાગવાનો છે. જ્યારે તેના રાજકીય ફાયદા સિવાય સામાન્ય લોકોને કોઈ ફાયદો થતો દેખાય રહ્યો નથી.
સરકારી આંકડા પ્રમાણે, 2010-11માં એક પોસ્ટકાર્ડના ઉત્પાદન પર 7.49 રૂપિયાની પડતર આવતી હતી. જ્યારે આવક 50 પૈસા થતી હતી. ઉત્પાદનની પડતર 2016-17માં વધીને 12.15 રૂપિયા થઈ છે. જ્યારે આવક 50 પૈસા જ છે. 2003-04માં એક પોસ્ટકાર્ડની પડતર 6.89 રૂપિયા થતી હતી. જ્યારે આવક 50 પૈસા જ થતી હતી. આમ જોવામાં આવે તો 2003-04થી 2016-17ની વચ્ચે પોસ્ટકાર્ડની પડતરમાં લગભગ 76 ટકાનો વધારો થઈ ચુક્યો છે. જ્યારે આવક હજી સ્થિર છે.