નવી દિલ્હી: સંસદના પહેલા સત્રની શરૂઆત થઈ ચુકી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદ તરીકે લોકસભામાં શપથ લીધા છે. આ ઘટનાક્રમ વચ્ચે પીએમ મોદીએ તમામ નવનિર્વાચિત સાંસદોને ડિનર માટે બોલાવ્યા છે. કેન્દ્રીય સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાત જોશીએ કહ્યુ છે કે 20મી જૂને દિલ્હીની અશોકા હોટલમાં ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે.
મોદી સરકારના બીજા કાર્યકાળની સંસદીય પરીક્ષા આજથી શરૂ થઈ ચુકી છે. આજે 17મી લોકસભાનું પહેલું સત્ર શરૂ થયું છે. તે વખતે નવા સાંસદોને શપથ અપાવવાની પ્રક્રિયા પ્રોટેમ સ્પીકર વિરેન્દ્ર કુમારે શરૂ કરી છે. લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત પ્રાપ્ત કરીને સત્તામાં આવેલુંભાજપ ઈચ્છશે કે આ સત્રમાં બજેટ સિવાય અન્ય અટવાયેલા બિલોને પારીત કરાવી શકાય.
વિરેન્દ્ર કુમારે રાષ્ટ્રપતિ ભવન ખાતે પ્રોટેમ સ્પીકર તરીકે શપથગ્રહણ કર્યા અને બાદમાં નવનિર્વાચિત સાંસદોને શપથ અપાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. 17મી જૂનથી શરૂ થયેલું સત્ર 26 જુલાઈ સુધી ચાલુ રહેશા અને પાંચમી જુલાઈએ બજેટ રજૂ કરવામાં આવશે.
સંસદનું સત્ર સોમવારથી શરૂ થતા પહેલા સમન્વય અને રણનીતિ પર વિચારવિમર્શ માટે એનડીએના નેતાઓની રવિવારે દિલ્હી ખાતે એક બેઠક યોજાઈ હતી.
સૂત્રો પ્રમાણે, વડાપ્રધાન મોદીએ સાંસદોને કહ્યુ હતુ કે સત્ર દરમિયાન તેમણે એકતા પ્રદર્શિત કરવી જીએ. તેમણે કહ્યુ હતુ કે ભાજપની આગેવાનીમાં એનડીએને મોટો જનાદેશ પ્રાપ્ત થયો છે અને આ નિર્વાચિત સાંસદોના કાર્યોથી પ્રદર્શિત થવું જોઈએ.
પીએમ મોદીએ સાંસદોને કહ્યુ હતુ કે તેઓ સાંસદોના સંબંધિત રાજ્યો સાથે જોડાયેલા મામલાઓના સમાધાન માટે હંમેશા ઉપલબ્ધ છે. તેમણે કહ્યુ છે કે આખો દેશ એક છે અને સરકાર દેશના દરેક ખૂણામાં પ્રગતિ માટે કામ કરશે.
એનડીએની બેઠક ભાજપ સંસદીય દળ કારોબારી બેઠક પહેલા યોજાઈ હતી. એનડીએના નેતાઓની બેઠક બાદ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે લગભગ એક કલાક વાતચીત કરી હતી. એનડીએની બેઠકમાં લગભગ તમામ સહયોગી દળોએ ભાગ લીધો હતો.