લોકસભા ચૂંટણીમાં જબરદસ્ત જીત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય વિસ્તાર વારાણસી પહોંચ્યા છે. અહીંયા વિશ્વનાથ મંદિરમાં પૂજા કર્યા પછી મોદી દીનદયાલ હસ્તકલા સંકુલ પહોંચ્યા. તેમની સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા.
સંકુલમાં ભરાયેલી સભામાં યોગી આદિત્યનાથે કહ્યું, ચૂંટણી પહેલા લોકો મહાગઠબંધન બનાવીને બીજેપીને રોકવામાં લાગ્યા હતા. પરંતુ બીજેપીએ મહાવિજય હાંસલ કર્યો. અમે તો પહેલા જ કહેતા હતા કે ‘મોદી હૈ તો મુમકિન હૈ.’ યોગી આદિત્યનાથ પછી પાર્ટી અધ્યક્ષ અમિત શાહે પણ સંબોધન કર્યું. અમિત શાહે કહ્યું, અહીંની જનતા ભાગ્યશાળી છે કારણકે મોદી અહીંના જનપ્રતિનિધિ છે. તેમનું લક્ષ્ય અહીંયા વિકાસ કરવાનું છે. શાહે કહ્યું કે પીએમ મોદીએ વારાણસીની જનતામાં વિશ્વાસ મૂક્યો અને તે એકદમ સાચો પડ્યો છે. યુપીમાં રોડ શૉ વખતે જે જનસમર્થન મળ્યું હતું તેના પરથી અમને પરિણામની ખબર હતી.
શાહે કહ્યું કે યુપી મોદીજીના વિકાસના રસ્તે ચાલી નીકળ્યું છે. 2014ના કાશી અને આજના કાશીમાં ઘણું અંતર છે. કાશી આવતીકાલે વિકાસ માટે આખી દુનિયામાં પ્રખ્યાત થશે. છેલ્લા પાંચ વર્ષોમાં કાશીનો ઘણો વિકાસ થયો છે એ જ રીતે આગામી 5 વર્ષોમાં પણ તેનો ખૂબ વિકાસ થશે.
આ પહેલા મોદી અને અમિત શાહ, બંને નેતાઓએ બાબા વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી. વારાણસી સીટ પરથી બીજીવાર જીત મળ્યા પછી મોદીની આ પહેલી યાત્રા છે. નોમિનેશન દરમિયાન તેમણે અહીંયા રોડ શૉ કરીને કહ્યું હતું કે હવે જીત પછી ધન્યવાદ આપવા આવીશ.
બાબતપુર એરપોર્ટથી મોદી પોલીસ લાઇન સુધી હેલિકોપ્ટરથી ગયા. પોલીસ લાઇનથી મંદિર સુધીનો રસ્તો તેમણે કારમાં પસાર કર્યો. આ દરમિયાન રોડ શૉ જેવું દ્રશ્ય હતું. કારણકે આ અધિકૃત રોડ શૉ નહોતો એટલે મોદીએ કારની અંદરથી જ લોકોનું અભિવાદન કર્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી બાબતપુર એરપોર્ટ પહોંચ્યા છે. અહીંયાથી હેલિકોપ્ટરથી પોલીસલાઇન મેદાન, પછી કાશી વિશ્વનાથ મંદિર જશે. મોદીએ આ પહેલા 8 માર્ચના રોજ વિશ્વનાથ કોરિડોરના શિલાન્યાસ દરમિયાન ત્યાં પૂજા કરી હતી. મોદી પોલીસ લાઇનથી મંદિર જશે તો અહીંયા રોડ શૉ જેવો નજારો જોવા મળી શકે છે. જોકે, રોડ શૉનો કોઇ અધિકૃત કાર્યક્રમ નથી.
પૂજા પછી નરેન્દ્ર મોદી પાછા પોલીસ લાઇન અને પછી ત્યાંથી લાલપુર સ્થિત વણકર હસ્તકલા સંકુલ માટે સડક માર્ગે રવાના થશે. સંકુલમાં ભાજપ પદાધિકારી અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. બપોરે તેઓ દિલ્હી જવા રવાના થશે. 2014માં વારાણસીમાં ચૂંટણી જીત્યા પછી મોદી 21મી વખત અહીંયા આવી રહ્યા છે.