રાહુલે આપેલા વચનને મોદીએ પાળીને બતાવ્યું, આદિવાસી મહિલાને 10 વર્ષ પછી મળ્યું પાકું ઘર
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 2008માં બુંદેલખંડના તિકમગઢમાં જે આદિવાસી મહિલાની ઝૂંપડીમાં ભોજન કર્યું હતું, તેને 10 વર્ષ પછી હવે વડાપ્રધાન આવાસ યોજના હેઠળ પાકું ઘર મળી શક્યું છે. રાહુલ ગાંધી તે સમયે બાંદાના માધોપુર ગામમાં પણ ગયા હતા અને આ ગામમાં બીમારી સામે ઝઝૂમી રહેલા દલિત સમુદાયના અચ્છેલાલને ‘અચ્છે દિન’નું વચન આપ્યું હતું. જોકે આદિવાસી મહિલાએ એવા પણ આરોપ લગાવ્યા કે 10 વર્ષ પછી પણ આ પાકું ઘર તેમને ત્રણ વાર લાંચ આપ્યા પછી મળી શક્યું છે.
અચ્છેલાલને પણ 9 વર્ષ જેટલા લાંબા સમય સુધી રાહ જોયા પછી બે વર્ષ પહેલા ઉત્તરપ્રદેશની તત્કાલીન એસપી સરકાર પાસેથી લોહિયા આવાસ યોજનામાં પાકું ઘર મળી શક્યું. રાહુલે જોકે બંને ગામોને સમસ્યાઓમાંથી મુક્ત કરાવવાનો સંકલ્પ લઈને આ ગામોને દત્તક લીધા હતા. પરંતુ બંને ગામોને મૂળભૂત સુવિધાઓની હજુ પણ રાહ જોઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે 2008માં ગામ અને ખેડૂતોની સમસ્યાઓને સમજવા માટે રાહુલ ગાંધી આ બંને ગામોમાં ગયા હતા. પહેલા તેમણે તિકમગઢના ટપરિયન ગામમાં આદિવાસી સમુદાયની ભુંઅનબાઈના ઘરે ભોજન કરીને ગરીબી સામે ઝઝૂમી રહેલા આ પરિવારને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થવાનું વચન આપ્યું હતું. ત્યારબાદ તેઓ માધોપુર પણ ગયા હતા.
ભુંઅનબાઈ જણાવે છે કે, ‘રાહુલ ગાંધીએ અમારા ઘરે આવીને ભોજન કર્યું હતું. તેનાથી અમને ઓળખ જરૂર મળી, પરંતુ 10 વર્ષોમાં જિંદગીની સમસ્યાઓનો કોઇ ઉકેલ નથી મળ્યો. હવે છેક ગયા વર્ષે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાકું ઘર મળ્યું, કે પણ ત્રણ વખત લાંચ આપીને.’ ભુંઅનબાઈએ જણાવ્યું કે તેમના ચાર દીકરાઓ છે અને તમામ બેરોજગાર છે.