નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે જાણીતા સોશયલ એક્ટિવિસ્ટ હર્ષ મંડરની એક અરજીને નામંજૂર કરી છે. આ અરજીમાં હર્ષ મંડરે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈને આસામમાં ઘૂસણખોરોને કસ્ટડીમાં રાખવા સાથે જોડાયેલા મામલાથી અલગ રાખવાની માગણી કરી હતી. હર્ષ મંડરે પોતાની અરજીમાં કહ્યુ હતુ કે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈ આ મામલામાં પક્ષપાત કરે તેવી શક્યતા છે.
ગુરુવારે થયેલી સુનાવણીમાં સીજેઆઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠમાં જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્ના સામેલ હતા. સુનાવણી દરમિયાન મંડરે કહ્યુ હતુ કે ગત સુનાવણી (9 એપ્રિલ-2019) વખતે મુખ્ય ન્યાયાધીશ દ્વારા કરવામાં આવેલી મૌખિક ટીપ્પણીઓએ પૂર્વગ્રહોની સંભાવનાને ગંભીરપણે ઉઠાવી છે. તમે નિષ્પક્ષ નથી, તેવામાં આ કેસથી અલગ થઈ જવું જોઈએ.
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈએ સવાલ કર્યો હતો કે તમારી ફરિયાદ શું છે? તમારે ન્યાયાધીશો પર ભરોસો રાખવો જોઈએ. આ યોગ્ય નથી કે તમે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પર સવાલ ઉઠાવો. ન્યાયાધીશ તરીકે અમે મૌખિક ટીપ્પણીઓ કરીએ છીએ, તેનો અર્થ એવો નથી કે આ બાબતોનો કોઈક મતલબ કાઢવામાં આવે.
જસ્ટિસ ગોગોઈએ ખુદને આ કેસથી અલગ કરવાની માગણીને નામંજૂર કરતા કહ્યુ છે કે આમ કરવું સંસ્થાને બરબાદ કરશે. અમે આમ નહીં કરીએ. અમે કોઈને પણ આ સંસ્થાને નુકસાન પહોંચાડવા દઈશું નહીં.
આ પહેલા સીજેઆઈએ આસામના મુખ્ય સચિવને પુછયું હતુ કે વિદેશીઓને અટકાયત કેન્દ્રોમાંથી બહાર કાઢવા માટે શું ઉપાય અપનાવાય રહ્યા છે. ખંડપીઠે કહ્યું હતું કે અમે એ જાણવા ઈચ્છીએ છીએ કે ત્યાં કેટલા અટકાયત કેન્દ્ર છે. અમે એ પણ જાણવા ઈચ્છીએ છીએ કે ત્યાં કેટલા લોકો બંધ છે અને ક્યારથી.
મહત્વપૂર્ણ છે કે હર્ષ મંડરે જ્યારે અરજી દાખલ કરી હતી, તો તેમણે આસામના ડિટેન્શન સેન્ટરમાં રહેતા ઘૂસણખોરોના માનવીય ઉપચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે ડિટેન્શન સેન્ટરમાં કેદ મોટાભાગના અપ્રવાસી ગેરકાયદેસર રીતે ભારતમાં દાખલ થયા છે. તેમના ઘણાં તો ગત 10 વર્ષોથી કેદમાં છે. આસામમાં એનઆરસી લાગુ થવાથી લગભગ 40 લાખ લોકો પર અસ્તિત્વનું સંકટ આવી ગયું છે. ઘણાં લોકો પાસે કાયદેસરનું ઓળખપત્ર નહીં હોવાના કારણે તેમને ડિટેન્શન સેન્ટરમાં નાખી દેવામાં આવ્યા છે.