સીમા પર પાકિસ્તાનની નાપાક હરકત ચાલુ છે. પાકિસ્તાને સતત ત્રીજા દિવસે જમ્મુ-કાશ્મીરના રાજૌરીના સુંદરબની સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાનના ફાયરિંગનો ભારતીય સેનાએ જવાબ આપ્યો છે. સીમા પર ચાલી રહેલા ફાયરિંગમાં અત્યાર સુધીમાં બંને પક્ષે કોઈપણ પ્રકારની જાનમાલની હાનિના અહેવાલ સામે આવ્યા નથી.
પાકિસ્તાન તરફથી મંગળવારે પણ યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને મંગળવારે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર પુંછ જિલ્લાના કૃષ્ણાઘાટી સેક્ટર અને મેંઢર સેક્ટરમાં કારણ વગર ગોળીબાર કર્યો હતો.
પાકિસ્તાનના ફાયરિંગમાં નાયક રવિરંજનકુમાર સિંહ શહીદ થયા હતા. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની આવી હરકતનો જોરદાર જવાબ આપ્યો હતો. પાકિસ્તાની સેનાની સામેની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની ઘણી ચોકીઓને તબાહ કરી દીધી હતી. ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં ઘણાં પાકિસ્તાની સૈનિકો ઢેર થયા હતા.
પાકિસ્તાન તરફથી સોમવારે પણ નૌશેરા સેક્ટરમાં મોર્ટાર શેલિંગ કરવામાં આવ્યું હતું. કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને હટાવાયા બાદથી પાકિસ્તાને ભારતની વિરુદ્ધ આક્રમક વલણ અખત્યાર કર્યું છે.
પાકિસ્તાન સરહદ પર સતત નાપાક હરકત કરી રહ્યું છે. આના પહેલા સોમવારે પણ પાકિસ્તાને નૌશેરા સેક્ટરમાં મોર્ટાર શેલિંગ કર્યું હતું.