પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, ભારતીય જળસીમામાં ઘુસી માછીમારો ઉપર કર્યું ફાયરિંગ
અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જળ અને જમીન સીમાથી જોડાયેલું છે. દરમિયાન જળસીમામાં અવાર-નવાર પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી ઘુસીને માછીમારોનું અપહરણ કરતી હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીની વધુ એક નાપાક હરકત સામે આવી છે. પાકિસ્તાની એજન્સીએ ભારતીય જળસીમામાં ઘુસીને માછીમારી કરતા ભારતીય માછીમારો ઉપર ફાયરિંગ કર્યું હતું. જેમાં એક માછીમાર ઘાયલ થયો હોવાનું જાણવા મળે છે. આ માછીમારી બોટ પોરબંદરની હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર માછીમારીની સિઝન તાજેતરમાં શરૂ થઈ હોવાથી ગુજરાતના માછીમારો હાલ દરિયામાં માછીમારી કરી રહ્યાં છે. પોરબંદરની એક માછીમાર બોટ દરિયામાં માછીમારી કરી રહી હતી. દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીના જવાનો ભારતીય સીમામાં ઘુસી આવ્યાં હતા. બીજી તરફ ભારતીય માછીમારો કંઈ પણ સમજે તે પહેલા જ પાકિસ્તાન સિક્યુરીટી એજન્સીના જવાનોએ બોટ ઉપર ગોળીબાર કર્યો હતો. જેમાં એક ખલાસી ઘાયલ થયો હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા કરવામાં આવેલા ગોળીબારની ઘટનાને પગલે માછીમારો અને તેમના પરિવારજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સિક્યુરિટી એજન્સી અવાર-નવાર ભારતીય જળસીમામાં ઘુસીને માછીમારી કરતા માછીમારોનું બોટ સાથે અપહરણ કરતી હોવાની ઘટના સામે આવે છે. હાલ પાકિસ્તાનની વિવિધ જેલમાં અનેક ભારતીય માછીમારો બંધ છે. ભારત સરકારના પ્રયાસો દ્વારા અવાર-નવાર પાકિસ્તાન દ્વારા પોતાની જેલમાં બંધ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવે છે. જ્યારે તેમની બોટ જપ્ત કરી લેવામાં આવે છે.