જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવાયા બાદ પાકિસ્તાન ખિજાયેલું છે. પાકિસ્તાને હવે સમજૌતા એક્રપ્રેસને રોકી દીધી છે. આ જાણકારી પાકિસ્તાન મીડિયાના હવાલાથી આવી રહી છે. આના પહેલા પાકિસ્તાને ભારત સાથેના રાજદ્વારી સંબંધોમાં ઘટાડો કર્યો હતો.
ભારત અનુચ્છેદ-370ને હટાવવાનો મામલો આંતરીક હોવાનું જણાવી ચુક્યું છે. પાકિસ્તાને કાશ્મીરમાંથી કલમ-370ને હટાવવાના ભારતના પગલાને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવાની કોશિશો શરૂ કરી છે. યુએનમાં પાકિસ્તાનના રાજદૂત મલીહા લોધીએ આ મુદ્દાને ઉઠાવ્યો છે. તેમણે કહ્યુ છે કે આજે મે યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના ચીફ સ્ટાફ મારિયા લુઈસા રિબેરો વિયોટી સાથે મુલાકાત કરી છે. તેમની સમક્ષ કાશ્મીર પર ભારતના નિર્ણયની જાણકારી આપી અને કહ્યુ છે કે સુરક્ષા પરિષદના પ્રસ્તાવોના પાલન કરવા માટે યુએનએ દખલ કરવી જોઈએ.
પાકિસ્તાને ભારતીય વિમાનો માટે નવ વાયુમાર્ગોમાંથી ત્રણ માર્ગને બંધ કર્યા છે. પાકિસ્તાન દ્વારા આ વર્ષે બીજી વખત ઉઠાવવામાં આવેલા પગલાથી રાષ્ટ્રીય એવિએશન કંપની એર ઈન્ડિયાને યુરોપ, અમેરિકા અને મધ્ય એશિયા સહીતના અન્ય સ્થાનો પર જનારા ઉડ્ડયનો પ્રભાવિત થશે.
લગભગ 50 ફ્લાઈટોના યાત્રાનો સમય લગભગ 10થી 15 મિનિટ વધી જશે. એર ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે અમે જેટલી લાંબી યાત્રાઓ માટે મુખ્ય માર્ગોનો ઉપયોગ કરીએ છીએ, તે હજીપણ ખુલ્લા છે અને અમને જાણકારી મળી છે કે બાકીના વાયુમાર્ગો પણ બંધ કરવામાં આવશે.
મુખ્ય એવિએશન કંપનીને આના પહેલા પણ પાકિસ્તાન દ્વારા પોતાના વાયુમાર્ગ બંધ કરવાને કારણે 30 કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું હતું. ભારતીય વાયુસેના દ્વારા ફેબ્રુઆરીમાં બાલાકોટમાં એર સ્ટ્રાઈક કર્યા બાદ પાકિસ્તાને આ પગલું ઉઠાવ્યું હતું.