પહેલા પાકિસ્તાન શ્રીનગર લેવાની વાત કરતું હતું, હવે મુઝફ્ફરાબાદ બચાવવાની યોજના બનાવે છે: બિલાવલ ભુટ્ટો
કાશ્મીર પર ડોળો જમાવવાની મનસા ધરાવતા પાકિસ્તાને તાજેતરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના જવાનો ડર સતાવી રહ્યો છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના ચેરમેન બિલાવલ ભુટ્ટોએ મંગળવારે કહ્યુ છે કે પહેલા આપણે કાશ્મીરની વાત કરતા હતા, અત્યારે આપણે યોજના બનાવી રહ્યા છીએ કે મુઝફ્ફરાબાદ કેવી રીતે બચાવી શકાય.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાંપ્રધાન બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટો ઈમરાનખાન સરકારની ઝાટકણી કાઢતા દેખાયા હતા. બિલાવલ ભુટ્ટોએ કહ્યુ છે કે ઈમરાનની સરકાર સુતી રહી અને કાશ્મીર પાકિસ્તાનના હાથમાંથી નીકળી ગયું. ઈમરાન ખાન પર વરસતા બિલાવલ ભુટ્ટોએ કહ્યુ છે કે કાશ્મીર પર પહેલા પાકિસ્તાનની પોલિસી શું હતી, પહેલા પોલિસી હતી કે શ્રીનગર કેવી રીતે લઈશું? હવે ઈમરાન ખાનની નિષ્ફળતા બાદ તેમની નિષ્ફળતા અને તેમની લાલચનાં કારણથી પાકિસ્તાનની શું પોઝિશન છે કે આપણે મુઝફ્ફરાબાદને કેવી રીતે બચાવીશું. આ આજે પાકિસ્તાનની વિદેશ નીતિની પોઝિશન છે.
મહત્વપૂર્ણ છે કે મુઝફ્ફરાબાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની રાજધાની છે. મુઝફ્ફરાબાદમાં પાકિસ્તાને એક કથિત વડાપ્રધાન બેસાડયો છે. પીઓકેના કથિત વડાપ્રધાન પાકિસ્તાની સત્તાધીશો અને પાકિસ્તાની સેનાના જનરલોના આદેશ પર કામ કરે છે.
બિલાવલ ભુટ્ટોનું કહેવું છે કે ચાહે વિદેશ નીતિ હોય અથવા પછી આર્થિક નીતિ પાકિસ્તાનની આ કઠપૂતળી સરકાર દરેક સ્થાન પર નિષ્ફળ રહી છે. બિલાવલ ભુટ્ટોએ કહ્યુ છે કે ઈમરાનખાનને જ્યારે પાકિસ્તાનના વિપક્ષ સાથે લડવાનું હોય છે, તો તેઓ સિંહ બની જાય છે. પરંતુ મોદી વિરુદ્ધ તો ચૂં પણ કરી શકતા નથી અને બિલાડી બની જાય છે.