1. Home
  2. revoinews
  3. આપણાં રાષ્ટ્રરત્નો: સ્વરાજનો સૌ પ્રથમ અવાજ, હિંદના દાદા – દાદાભાઈ નવરોજી
આપણાં રાષ્ટ્રરત્નો: સ્વરાજનો સૌ પ્રથમ અવાજ, હિંદના દાદા – દાદાભાઈ નવરોજી

આપણાં રાષ્ટ્રરત્નો: સ્વરાજનો સૌ પ્રથમ અવાજ, હિંદના દાદા – દાદાભાઈ નવરોજી

0
Social Share

પ્રોફેસર યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા

આપણો દેશ દિવ્ય અને ભવ્ય સાંસ્કૃતિક વારસાના વૈભવ સાથે સદાય વિશ્વફલક પર ઝગમગતો રહ્યો છે. સ્વીકાર આપણી સંસ્કૃતિ છે અને પડકારો ને પહોંચી વળવાની કુનેહ આપણને ઈશ્વરે આશીર્વાદમાં આપી છે. આપણાં દેશમાં સમયાનુસાર વિવિધ જાતિઓ પ્રજાતિઓ  માં ભારતીનો વાત્સલ્યસભર આશરો લેવા માટે આવતી રહી અને આપણા ભારતીય સમાજમાં ભળી ગઈ. આવી જ એક કોમ જે આપણામાં ” દૂધ માં સાકર” ની જેમ ભળી ગઈ અને આપણાં રાષ્ટ્રીય વારસાને આપણા વૈભવ ને વધારે ગૌરવ અપાવ્યું એ પારસી પ્રજા. આવા જ એક પારસી પરિવારે આપણા દેશ ને રાષ્ટ્રરત્ન આપ્યા. આજના જ દિવસે  ૪ સપ્ટેમ્બર ૧૮૨૫ ની સાલમાં નવરોજી પાલનજી દોરડી તથા માણેકબાઈ ના ખોળે પુત્રરત્નનો જન્મ થયો જે આગળ જતા એમના રાષ્ટ્રસમર્પણનાં સદ્દગુણે આપણને સૌને રાષ્ટ્ર રત્ન સ્વરૂપે મળ્યા એ “હિંદ નાં દાદા” દાદાભાઈ નવરોજી.

૧૮૨૫ ની સાલમાં આપણો દેશ  અંગ્રેજોની કારમી ગુલામી , અંગ્રેજો દ્વારા કરવામાં આવતા અસહ્ય દમનો માંથી પસાર થઇ રહ્યો હતો. આવા સમયે અંગ્રેજોની ગુલામી માંથી આપણા દેશને સ્વતંત્ર કરવા માટે રાષ્ટ્રભક્તો  ઝઝૂમી રહ્યા હતા.આવા રાષ્ટ્રભક્તો માનું એક અમર નામ એટલે દાદાભાઈ નવરોજી.

દાદાભાઈ  એ બાળપણ માંજ માત્ર ચાર વર્ષની ઉંમરે પિતાજીની હૂંફ ગુમાવી એમના માતા માણેકબાઈ એ ખુબ સંઘર્ષ વેઠીને કાળજી પૂર્વક એમનો ઉછેર કર્યો અને માના વાત્સલ્યસભર ઉછેરના કારણે બાળપણથી જ દાદાભાઈ માં શિક્ષા તથા જ્ઞાન પ્રત્યે લગાવના બીજ રોપાયા અને ભણવામાં તેજસ્વી વિદ્યાર્થી તરીકે ઉભરી આવ્યા. બાળપણથી જ મુશ્કેલીઓ અને સંઘર્ષ સાથે જીવનની શરૂઆતના લીધે તેમનામાં આત્મબળ અને આત્મશિસ્તના ગુણોની સંપત્તિનો વિકાસ આપમેળે થયો અને તેઓ આજીવન સારા અને શ્રેષ્ઠ જીવન માટે જાગૃત રહ્યા.

એમના બાળપણનો એક પ્રસંગ યાદ કરીએ તો એક વાર કોઈ કારણોસર એમને પીઠામાં દારૂ લેવા જવાનું થયું. દાદાભાઈ બાળપણની નિર્દોષતાના કારણે ત્યાં દારૂના પીઠા પર પહોંચ્યા ત્યાંના નકારાત્મક વાતાવરણની એમના મન ઉપર ઊંડી અસર પડી અને એમણે આજીવન મદ્યપાન તથા નકારાત્મક વર્તનથી દૂર રહેવાનો સંકલ્પ કર્યો. એ સમયે ભારતમાં બાળલગ્ન ની પરંપરા હતી અગિયારમા વર્ષે દાદાભાઈ ના લગ્ન સોરાબજી શ્રોફ ના સાત વર્ષના દીકરી ગુલબાઇ સાથે કરાવવામાં આવ્યા. ગામડાની શાળામાં દાદાભાઈની તેજસ્વીતા અને અનુસાશનમાં વધારે ને વધારે નિખાર આવ્યો. ત્યાર બાદ નેટિવ એજ્યુકેશન સોસાયટી નામની સંસ્થામાં વધુ અભ્યાસ માટે દાખલ થયા. શિક્ષણની સાથે સાથે શાળામાં કરાવવામાં  આવતી વ્યક્તિત્વ વિકાસની પ્રવૃત્તિઓમાં પણ એમણે ઝીણવટ પૂર્વક રસ લીધો અને આમ તેમની નેતૃત્વ શક્તિ ખીલી. ગિલ્લી દંડા એમની પ્રિય રમત આ રમત ને તેઓ “હિંદ ની ક્રિકેટ” કેહતા. યુવાનીમાં પ્રવેશેલા દાદાભાઈ એ એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટ કોલેજ માં અભ્યાસ કર્યો. કોલેજકાળમાં ગણિત , રાજકીય અર્થ શાસ્ત્ર અને અંગ્રેજી સાહિત્ય એમના પ્રિય વિષયો રહ્યા. બાળપણથી કરેલા સંઘર્ષ , સંયમ અને શિક્ષણના લીધે તેમનું ચરિત્ર ભરયુવાનીમાં સંપૂર્ણ પણે ખીલ્યું. કોલેજમાં પ્રોફેસર દ્વારા તેમને ” હિંદ કી આશ ” નામનું બિરુદ આપવામાં આવ્યું જે સમય જતા સાચું પડ્યું. દાદાભાઈ એ વિદ્યાર્થીકાળ માં જે જોયું અનુભવ્યું કે દેશની પ્રજા પર અંગ્રેજો દ્વારા દમન ગુજારવામાં આવી રહ્યો છે. લોકોને પ્રાથમિક હકોથી વિમુખ રાખવામાં આવી રહ્યા છે. એટલે રાષ્ટ્રજનો માં લોકજાગૃતિની અલખ જગાડી રાષ્ટ્રના વિકાસ માટે રાષ્ટ્રને સ્વતંત્ર કરવું જ રહ્યું અને એ માટે એમણે રાષ્ટ્રને સ્વતંત્ર કરવાનો સંકલ્પ કર્યો.

કોલેજ પૂર્ણ થયા બાદ તેઓ એલ્ફિસ્ટન કોલેજમાં જ પ્રધ્યાપક તરીકે જોડાયા . એ સમયે પ્રધ્યાપક ના ઉચ્ચ હોદ્દા પર નિયુક્ત થનારા દાદાભાઈ નવરોઝી પ્રથમ ભારતીય હતા. એમણે અધ્યાપન કાર્ય દરમ્યાન વિદ્યાર્થીઓના માનસિક ઘડતર માટે અથાગ પરિશ્રમ કર્યો. સમય જતા વિદ્યાર્થીઓ ની નિસ્વાર્થ સેવા કરવાની આ પ્રવૃત્તિ લોકસેવામાં ઢળી. એ સમય માં એમણે કન્યા કેળવણી માટે કરેલું કામ આજે પણ નોંધપાત્ર છે. એ સમય ની ગેરમાન્યતા પ્રમાણે કન્યાઓ ને કેળવણી આપવાથી સમાજને નુકસાન થાય છે. આ ગેરમાન્યતા ને દાદાજી ની નેતૃત્વ શક્તિએ સહજતાથી મિટાવી. આવી જ રીતે ધર્મમાં અંધશ્રદ્ધા તથા બહુપત્નીત્વના કુરિવાજો સામે પણ સમાજ જાગૃતિ માટે ખુબ કામ કર્યું અને સમાજ સુધારક તરીકે ખ્યાતિ પામ્યા.

ઇસ ૧૮૫૫ માં બ્રિટનમાં કામા બંધુ ઓની ” કામા એન્ડ કંપની” માં તેમની ધંધાકીય કુનેહ ને કારણે ભાગીદાર તરીકે જોડાયા અને આ કંપની નો વિકાસ કર્યો. પણ વૈચારિક મતભેદો ને લીધે તેઓ આ કંપની માંથી છુટા થયા ત્યાર બાદ દાદાભાઈ એ આત્મનિર્ભર બનવા માટે પોતાની કંપની શરૂ કરી આર્થિક વિકાસ કર્યો અને સમાજ માં વધુ પ્રતિષ્ઠા મેળવી. ઇંગ્લેન્ડ બ્રિટન માં પરિવાર સાથે સ્થાયી થયા બ્રિટન માં વસવા છતાં હજુ તેમનો  દેશપ્રેમ એ જ રહ્યો ભારત દેશમાંથી અભ્યાસ માટે બ્રિટનમાં જનારા વિદ્યાર્થીઓ નો તેઓ આશરો બન્યા. બ્રિટનમાં પણ અંગ્રેજો ભારતીયો ને નજીક લાવવા માટે લંડન ઇન્ડિયન સોસાયટીની સ્થાપના કરી અને તેઓ આ સંસ્થાના પ્રમુખ બન્યા અને ભારતમાં પણ આ સંસ્થાની શાખાઓ સ્થાપી. ભારતીય યુવાનો ને સરકારી નોકરીમાં થતા અન્યાયો સામે આ સંસ્થાના માધ્યમથી આંદોલન ચલાવ્યું. ભારતના લોકોની તકલીફો દૂર કરવા બ્રિટનના રાજકારણમાં સક્રિય થયા પણ એ જ સમયે આપણા દેશમાં એમની જરૂર ઉભી થતા તેઓ વડોદરા રાજ્ય ના દીવાન પદે ૧૮૭૩માં નિયુક્ત થયા .દીવાન તરીકે અડગ નિશ્ચયી  દાદાભાઈએ ભ્રષ્ટાચારી કર્મચારીઓ ની જગ્યાએ પ્રામાણિક લોકોની નિયુક્તિ કરી વડોદરા રાજ્યમાં નોંધપાત્ર સુધારા કર્યા પણ રાજકીય ખટપટના કારણે દાદાભાઈ ને પોતાના રાજ્યસુધારણાના કામો માં સ્વતંત્રતા ના અનુભવાતા દીવાન પદ છોડી મુંબઈ આવ્યા. એ સમયે અસહ્ય પારિવારિક દુઃખો વચ્ચે પણ એમનો દેશપ્રેમ અડગ રહ્યો. દેશના લોકોનું સારું કરવું હશે સ્વતંત્રતા અપાવવી હશે તો અંગ્રેજો પાસે બુદ્ધિપૂર્વક કામ લેવું પડશે એમ વિચારી ૧૮૮૬ માં તેઓ બ્રિટન ગયા. ભારત બ્રિટન ની મિત્રતા માટે કામ કર્યું .બ્રિટન માં સંસદ સભ્ય તરીકે નિયુક્ત થયા. દાદાભાઈ બ્રિટનની સંસદમાં પણ સતત માતૃભૂમિના કલ્યાણ માટે પ્રશ્નો રજૂ કરતા રહ્યા અને આ રીતે હિંદુસ્તાન ને કોઈ પણ ભોગે સ્વતંત્રતા માટે તૈયાર કરવું એ તેમનું જીવન લક્ષ બન્યું. તેમણે સૌ પ્રથમ વાર જાહેરમાં હિંદ સ્વરાજ્યની માગણી કરી .

આજ સમયે દેશમાં લાલા લજપત રાય લોકમાન્ય તિલક , ગોપાલ કૃષ્ણ ગોખલે , સુરેન્દ્રનાથ બેનર્જી , ગાંધીજી જેવા આગેવાનો સ્વતંત્રતા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. દેશની આઝાદી માટે કોંગ્રેસ નું અધિવેશન કલકત્તા માં ભરાયું . દાદાભાઈ નવરોઝી ને આ અધિવેશન માં પ્રમુખ બનવાનું આમંત્રણ મળ્યું એમણે સ્વીકાર્યું અને એમના પ્રમુખ માર્ગદર્શનમાં કોંગ્રેસ સ્વરાજ્ય માટે વધારે મજબૂત થયું . એમના સ્વરાજ્ય અને જનકલ્યાણના આજીવન કાર્યો અને અનુભવો ને કારણે એ રાષ્ટ્રપિતા ગાંધીજી સહીત ના આગેવાનો ના પિતૃતુલ્ય માર્ગદર્શક રહ્યા. એમના છેલ્લા શ્વાસો સુધી એમની  હૂંફ સ્વરાજ્ય ચળવળ માટે કામ કરતા સૌને મળતી રહી અને આજે પણ દાદાભાઈ નવરોજી નું  સ્વરાજ માટે નું સમર્પણ અને રાષ્ટ્રકલ્યાણ ના કાર્યો  ” હિંદ ના દાદા” ના હુલામણા નામે રાષ્ટ્રપ્રેમીઓ ના હ્ર્દયમાં જીવંત છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code