- હાલમાં કોરોનાને કારણે સ્કૂલો બંધ હોવાથી બાળકોને ઓનલાઇન શિક્ષણ અપાઇ રહ્યું છે
- જો કે બાળકો પાસે ડિજીટલ ડિવાઇઝની ઉપલબ્ધતા અંગે સરકારે કરાવ્યો સર્વે
- સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોના માત્ર 40 % વિદ્યાર્થીઓ જ ડિજીટલ ડિવાઇઝ વાપરે છે
હાલના સમયમાં કોરોનાના સંક્રમણને કારણે સ્કૂલો બંધ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ બાળકોને ઓનલાઇન શિક્ષણ પૂરુ પાડવા માટે વર્ચ્યુઅલ ક્લાસ સાથે હોમ લર્નિંગ શરૂ કરવામાં આવ્યું છે. જો કે તેના માટે બાળકો પાસે ડિજીટલ ડિવાઇઝ હોવું આવશ્યક છે ત્યારે ખરેખર કેટલાક બાળકો ભણે છે અને કેટલાક બાળકો પાસે મોબાઇલ-કોમ્પ્યુટર સહિતના ડિજીટલ ડિવાઇઝ છે તે જાણવા માટે રાજ્ય સરકારે સમગ્ર શિક્ષાના માધ્યમથી રાજ્યની સ્કૂલોના બાળકોને સર્વે કરાવ્યો અને જેમાં જાણવા મળ્યું કે સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના મહદઅંશે 40 ટકા વિદ્યાર્થીઓ જ ડિજીટલ ડિવાઇઝનો ઉપયોગ કરી રહ્યા છે.
એક તરફ જ્યારે બાળકો પાસે ડિજીટલ ડિવાઇઝ નથી તો બીજી બાજુ સરકારે જ તમામ સ્કૂલોને માઇક્રોસોફ્ટ ટીમથી ધો.3થી12માં ફરજીયાત રોજના બે કલાક ઓનલાઇન ભણાવવા આદેશ કર્યો છે.
ધો.9થી12માં વર્ચ્યુલ શાળા અંતર્ગત યુટયુબ, ફેસબુક,માઈક્રોસોફ્ટ ટીમ અને જીયો ટીવી મારફત લાઈ વેબકાસ્ટ પણ થઈ રહ્યુ છે. તેની લિંક વિદ્યાર્થીઓને પહોંચાડવામા આવે છે.પરંતુ બીજી સરકારે જ કરેલા સર્વેમાં ધ્યાને આવ્યુ છે કે યુટયુબના,ફેસબુકના અને જીયો ટીવીના ઓનલાઈન લેક્ચર્સ જોવા માટે તમામ વિદ્યાર્થીઓ પાસે ડિજિટલ ડિવાઈસ નથી. માત્ર ૪૦ ટકા જેટલા બાળકો પાસે જ ડિજિટલ ડિવાઈસ છે.
ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ દ્વારા સમગ્ર શિક્ષા હેઠળ તમામ ડીઇઓ-ડીપીઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓને પરિપત્ર કરીને તમામ શાળાઓમાં માઇક્રોસોફ્ટ ટીમ્સથી વર્ચ્યુઅલ ક્લાસ દ્વારા ફરજીયાત શિક્ષણ આપવા આદેશ કરવામાં આવ્યો છે. ધો.3થી 12માં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ભણતા બાળકો અને શિક્ષકો માટે યૂઝર એકાઉન્ટ બનાવેલ છે ત્યારે અમુક શિક્ષકો જ ઓનલાઇન શિક્ષણ આપી રહ્યા છે.
મહત્વનું છે કે, તમામ શાળાઓને માઈક્રોસોફ્ટ ટીમ દ્વારા બાળકોને ભણાવવા માટે ધોરણ મુજબ ટાઈમ ટેબલ આપવામા આવ્યુ છે.એટલુ જ નહી તમામ સ્કૂલોને ફરજીયાત ધો.૩થી૫માં રોજના એક કલાક, ધો.૬થી૮માં દોઢ કલાક અને ધો.૯થી૧૨માં ફરજીયાત રોજના બે કલાક વિવિધ વિષયનું ઓનલાઈન શિક્ષણ આપવા આદેશ કરવામા આવ્યો છે.
(સંકેત)