ઓડિશામાં હવાઈ સર્વે પછી બોલ્યા મોદી- નવીનબાબુએ સરસ કામ કર્યું, કેન્દ્ર કરશે રૂ.1000 કરોડની વધારાની મદદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઓડિશામાં ફેની વાવાઝોડાંથી પ્રભાવિત વિસ્તારોનો હવાઇ સર્વે કર્યો. આ દરમિયાન તેમની સાથે રાજ્યપાલ ગનેશી લાલ અને મુખ્યમંત્રી નવીન પટનાયક પણ હાજર રહ્યા. મોદીએ કહ્યું કે નવીનબાબુએ સારું કામ કર્યું છે. જાનમાલને ઘણું ઓછું નુકસાન થયું છે. કેન્દ્ર 381 કરોડ રૂપિયાની મદદની જાહેરાત પહેલા જ કરી ચૂક્યું છે અને તે ઉપરાંત 1000 કરોડ રૂપિયાની વધારાની મદદ કરવામાં આવશે. ફેનીના કારણે તટવર્તી વિસ્તારોમાં 34 લોકોનાં મોત થઈ ગયાં હતાં.

મોદીએ કહ્યું, “લોકોને ઘરો ખાલી કરવાનું કહેવામાં આવે છે તો તેઓ તેમ નથી કરતા. આ વખતે ઓડિશાના લોકોએ અને માછીમારોએ અદ્ભુત કામ કર્યું છે. નહીં તો ખબર નહીં શું થાત. નુકસાનનો રિવ્યુ કરવા માટે એક ટીમ પણ અહીંયા આવશે. 1999માં એક સુપર સાયક્લોન ઓડિશામાં આવ્યું હતું. ત્યારે લગભગ 10 હજાર લોકો આ કુદરતી આફતનો શિકાર બન્યા હતા. આ વખતે નુકસાન એટલા માટે ઓછું થયું કારણકે રાજ્ય અને કેન્દ્ર સરકારને વાવાઝોડાં અંગે પહેલા જ જાણકારી મળી ચૂકી હતી.”
PM Narendra Modi conducts aerial survey of #Cyclonefani affected areas in Odisha. Governor Ganeshi Lal, CM Naveen Patnaik and Union Minister Dharmendra Pradhan also present. pic.twitter.com/ZO9XkRC7kK
— ANI (@ANI) May 6, 2019
ઉલ્લેખનીય છે કે ઓડિશામાં કોઇપણ અપ્રિય પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારી યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી. આ વખતે 12 લાખ લોકોને આ આફતમાંથી ઉગારી લેવામાં આવ્યા. 26 લાખ લોકોને મેસેજ કરીને તમામ જાણકારીઓ આપવામાં આવી. આ ઉપરાંત 45 હજાર કર્મચારીઓ અને વોલન્ટિયર્સને પરિસ્થિતિ સામે લડવા માટે તહેનાત કરવામાં આવ્યા હતા.
સંયુક્ત રાષ્ટ્રના ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વિભાગે ભારત સરકારના વખાણ કર્યા. યુએનએ કહ્યું- સરકારની ઝીરો કેઝ્યુઅલ્ટી પોલિસી અને હવામાન વિભાગની વોર્નિંગ સિસ્ટમ પાસેથી મળેલી સટીક ચેતવણીઓને કારણે નુકસાન ઘણું ઓછું કરી નાખવામાં આવ્યું. જાનમાલના નુકસાનની દ્રષ્ટિએ જોવામાં આવે તો તે લોકોએ સારું કામ કર્યું. સટીક ચેતવણીઓના કારણે સમયસર 10 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા.