સેંથામાં સિંદૂર લગાવવા પર ટીએમસીના MP નુસરત જહાંએ તોડયું મૌન, કહ્યું- ઈસ્લામને માનું છું, પરંતુ…
મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંએ તાજેતરમાં પોતાના બોયફ્રેન્ડ નિખિલ જૈન સાથે હિંદુ રીતિ-રીવાજ પ્રમાણે લગ્ન કર્યા છે. લગ્ન બાદ 25 જૂને તેઓ પહેલીવાર સંસદ પહોંચ્યા અને સાંસદ તરીકેના શપથ લીધા હતા. નુસરત જહાં જ્યારે ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર સંસદ પહોંચ્યા, તો તેમને તેમના કપડાંને લઈને ટ્રોલ કરવામાં આવ્યા હતા.
પરંતુ હવે જ્યારે નુસરત શપથ લેવા માટે સંસદમાં પહોંચ્યા તો દરેક તેમને જોતા રહી ગયા. સેઁથામાં સિંદૂર, હાથમાં મહેંદી, લાલ બંગડી અને સાડી… નુસરત આ વખતે એકદમ ઈન્ડિયન સ્ટાઈલમાં સંસદમાં પહોંચ્યા હતા. પરંતુ આ વખતે પણ ટ્રોલર્સ તેમનો પીછો છોડવા તૈયાર ન હતા અને તેમને ફરીથી ટ્રોલ કરવામાં આવ્યા હતા. આ વખતે નુસરતના સેંથામાં સિંદૂરના મામલે ટ્રોલર્સના નિશાને હતા. લોકોનું કહેવું હતું કે નુસરત એક મુસ્લિમ છે અને તેઓ સિંદૂર કેવી રીતે સેંથામાં પુરી શકે છે.
આ મામલે નુસરત જહાંએ પોતાની ચુપકીદી તોડી છે. એક મીડિયા હાઉસની સાથેની વાતચીતમાં તેમણે કહ્યું છે કે તેઓ આ મામલા પર કોઈ ટીપ્પણી કરવા માંગતા નથી.તેમણે કહ્યું છે કે તેઓ જન્મથી ઈસ્લામને માનતા આવ્યા છે અને હંમેશા ઈસ્લામને માનશે. પરંતુ લગ્ન બાદ તો પોતાના પતિના ઘરના રીતિરિવાજોને પણ અનુસરશે. સેંથામાં સિંદૂર જોઈને નુસરત જહાંને સવાલ કરવામાં આવતો હતો કે શું તેમણે પોતાનો ધર્મ બદલ્યો છે. તેના પર નુસરતે કહ્યું છે કે તેમણે ધર્મ બદલ્યો નથી, પરંતુ પતિના ઘરના રીતિરિવાજોને અનુસરવામાં તેમને કોઈ મુશ્કેલી નથી.