- જમ્મૂ કાશ્મીરના વિકાસ માટેની બ્લુ પ્રિન્ટ કેન્દ્ર સરકારે તૈયાર કરી હોવાની સંભાવના
- જો કે આ પ્રોજેક્ટની વધુ વિગતો હજુ લોકો સમક્ષ જાહેર નથી કરાઇ
- ખુદ પીએમ મોદી આ પ્રોજેક્ટ પર નજર રાખે તેવી શક્યતા
જમ્મૂ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ થયા બાદ ત્યાં જે પ્રકારના દાવા કરવામાં આવ્યા હતા તે પ્રકારે વિકાસ થયો નથી પરંતુ અનેક પ્રકારની ટીકા બાદ હવે કેન્દ્ર સરકારે જમ્મૂ કાશ્મીરના વિકાસ માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી હોવાની વાત સાંભળવા મળી છે. આ પ્રોજેક્ટ પર ખુદ પીએમ મોદીની નજર હોવાનું મનાઇ રહ્યું છે. હાલ આ પ્રોજેક્ટની જો કે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.
ગત સપ્તાહે વડા પ્રધાનના વિશ્વાસુ મનાતા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા મનોજ સિંહાને જમ્મુ કશ્મીરના ઉપ-રાજ્યપાલપદે નીમીને મોકલવામાં આવ્યા હતા. એ પણ આ પ્રોજેક્ટ પર બાજ નજર રાખશે. ટૂંક સમયમાં આ પ્રોજેક્ટની વિગતો જાહેર કરાય એવી શક્યતા છે.
કાશ્મીર ખીણ વિસ્તારમાં ડાલ સરોવરની આસપાસના વિસ્તાર માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરાઇ હતી. આ વિસ્તારમાં ગીચ વસતી છે અને છેલ્લા થોડા સમયથી તેની રોનક પણ ઝાંખી પડી ગઇ છે. નવા પ્રોજેક્ટમાં ડાલ સરોવરની આસપાસ થયેલા અતિક્રમણને ખાલી કરાવીને ત્યાંની મૂળ ચમક પાછી લાવવામાં આવશે. જમ્મુ અને શ્રીનગરની કાયાપલટ કરીને એને ફરી આકર્ષક બનાવવાની યોજના છે. એ માટે મબલખ ખર્ચ પણ કરવાની કેન્દ્રની તૈયારી છે.
નોંધનીય છે કે જમ્મૂ કાશ્મીરમાંથી 370ની કલમ રદ થયા બાદ પણ ત્યાંની સ્થિતિને લઇને અમેરિકાના સાંસદોએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે કાશ્મીરમાં હજુ સ્થિતિ યથાવત્ છે. હજુ પહેલા જેવું જ વાતાવરણ છે. આ પછી કેન્દ્ર સરકારે નવા જમ્મૂ અને નવા શ્રીનગર માટે પ્રોજેક્ટ તૈયાર કરવાની જવાબદારી કેન્દ્રીય નગર વિકાસ ખાતાને સોંપી હતી.
(સંકેત)