- કોરોના મહામારી દરમિયાન દેશના અર્થતંત્રની સ્થિતિને લઇને નાણા મંત્રીએ આપ્યું નિવેદન
- અર્થતંત્રમાં હવે સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે: નિર્મલા સીતારમણ
- જીડીપીનો વૃદ્વિદર જો કે નકારાત્મક અથવા શૂન્યની નજીક રહેશે: નિર્મલા સીતારમણ
નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિને લઇને નાણા મંત્રી નિર્મલા સીતારમણે નિવેદન આપ્યું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે અર્થતંત્રમાં હવે સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે. જો કે આ સાથે તેમણે કહ્યું હતું કે પ્રવર્તમાન નાણાકીય વર્ષમાં કુલ સકલ ઘરેલુ ઉત્પાદન (GDP) નો વિકાસ દરમાં ઘટાડો આવશે અને શૂન્યની નજીક રહેશે.
નાણા મંત્રીએ કહ્યું હતું કે વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અર્થતંત્રમાં 23.9 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે, જેનાથી નાણાંકીય વર્ષ દરમિયાન જીડીપીનો વૃદ્વિદર નકારાત્મક અથવા શૂન્યની નજીક રહેશે. તહેવારોની મોસમમાં થતી ખરીદીથી ભારતીય અર્થતંત્રને ગતિ મળે તેવી અપેક્ષા છે.
સેરા સપ્તાહના ઇન્ડિયા એનર્જી ફોરમને સંબોધિત કરતા નાણા મંત્રીએ કહ્યું હતું કે સરકારે કોરોના મહામારીને કારણે 25 માર્ચથી લોકડાઉન લાગું કર્યું હતું, કારણ કે લોકોનું જીવન બચાવવું વધુ અનિવાર્ય હતું. લોકડાઉનના કારણે જ સરકાર કોરોનાની આ મહામારી સામે લડવા માટે તૈયારી કરી શકી હતી.
નોંધનીય છે કે, કોરોના મહામારીને કારણે દેશના અર્થતંત્રને ફટકો પડ્યો છે ત્યારે દેશમાં હાલમાં અનલોકની પ્રવૃત્તિ ચાલી રહી છે જેને કારણે આર્થિક ગતિવિધિઓ પૂર્વવત થતા અર્થતંત્રમાં ગતિ જોવા મળે તેવી આશા સેવાઇ રહી છે. હાલ સરકાર જાહેર ખર્ચ દ્વારા આર્થિક ગતિવિધિઓ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
(સંકેત)