- ભગવાન શ્રીરામના અનન્ય ભક્ત હનુમાનજીની સૌથી મોટી પ્રતિમા સ્થાપિત કરાશે
- આ મૂર્તિ માટે અંદાજીત 1200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે
- આ માટે હનુમંત જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટની રચના કરાઇ
કિષ્કિંધા: ભગવાન રામના અનન્ય ભક્ત હનુમાનજીની સૌથી મોટી પ્રતિમા તેમના જન્મસ્થળ પંપાપુર-કિષ્કિંધા (કર્ણાટક)માં સ્થાપિત કરવામાં આવશે. હનુમાનજીની આ મૂર્તિ 215 મીટર ઊંચી હશે. આ મૂર્તિ માટે અંદાજીત 1200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ મૂર્તિનું નિર્માણ સરકાર દ્વારા નહીં પરંતુ ભક્તોના સહયોગથી કરવામાં આવશે. તે ઉપરાંત હનુમાનજીના ભવ્ય મંદિર નિર્માણનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, તુંગભદ્રા નદીના કિનારે કિષ્કિંધામાં હનુમાનજીની આ મૂર્તિ સ્થાપિત કરાશે. વાલ્મિકી રામાયણમાં કિષ્કિંધા પર બાલી પછી સુગ્રીવનું રાજ હતું. અહીં જ હનુમાનજીનો જન્મ થયો અને ભગવાન રામ સાથે મુલાકાત થયા સુધી તેઓ અહીંયા રહેતા હતા. હવે અહીં 215 મીટર ઊંચાઇ પર હનુમાનજી વિરાજશે. આ માટે હનુમંત જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. ટ્રસ્ટના અધ્યક્ષ સ્વામી ગોવિંદ આનંદ સરસ્વતીએ તેની જાહેરાત કરી છે.
ટ્રસ્ટના અધ્યક્ષ સ્વામી ગોવિંદ આનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, હનુમાનજીની વિશાળ પ્રતિમા અને ભવ્ય મંદિર માટે હનુમંત જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટ તરફથી દેશભરમાં રથ યાત્રા કાઢીને ફંડ એકઠું કરવામાં આવશે.
આ 215 મીટર ઊંચી પ્રસ્તાવિત પ્રતિમાનો અંદાજીત ખર્ચ 1200 કરોડ રૂપિયા આંકવામાં આવી રહ્યો છે. હનુમંત જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ રામમંદિર નિર્માણ માટે રચવામાં આવેલી શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટને 80 ફૂટ ઊંચો ભવ્ય રથ પણ દાન કરશે. આ રથ 2 વર્ષમાં તૈયાર થશે અને તેની અંદાજીત કિંમત 2 કરોડ રૂપિયા હશે.
નોંધનીય છે કે હનુમાનજીની મૂર્તિને 215 મીટર ઊંચી રાખવામાં આવી છે. જ્યારે અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવી રહેલી ભગવાન રામની મૂર્તિ 221 મીટર ઊંચી છે. હનુમાનજી ભગવાન રામના શાશ્વત ભક્ત હતા આથી તેમની મૂર્તિને રામની મૂર્તિથી વધારે ઊંચી ન રાખવાનું કહેવામાં આવ્યું છે.
(સંકેત)