– રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળનો આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવાયેલી હોસ્પિટલો માટે નિર્ણય-
– આ હોસ્પિટલોને તેમની આરોગ્ય સેવાના આધારે રેટિંગ્સ આપવામાં આવશે
– આ માટે ખાસ માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે
કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવાયેલી બધી જ હોસ્પિટલોને તેમના દ્વારા અપાતી આરોગ્ય સેવાના આધારે રેટિંગ્સ આપવાનો નિર્ણય લીધો છે. આ માટે ખાસ માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સમગ્ર દેશની 23 હજારથી વધુ હોસ્પિટલોને આવરી લેવાઇ છે. આ પૈકી 12 હજાર 828 હોસ્પિટલો જાહેર ક્ષેત્રની છે જ્યારે 10 હજારથી વધુ હોસ્પિટલો ખાનગી ક્ષેત્રની છે.
રેટિંગ્સના નિર્ણય અંગે માહિતી આપતા રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળના સંયુક્ત નિયામક ડોક્ટર જે.એલ.મીણાએ જણાવ્યું હતું કે, આ તમામ હોસ્પિટલોને સલામતી, અસરકારકતા, કાર્યક્ષમતા અને દર્દીઓને અપાતી આરોગ્ય સંભાળના આધારે રેટિંગ્સ અપાશે.
હોસ્પિટલોને પ્રદર્શનના આધારે રેટિંગ અપાશે
યોજનામાં સામેલ હોસ્પિટલોમાં ગુણવત્તા સુધારણા માટે પ્રદર્શન આધારિત પેમેન્ટ સિસ્ટમ પણ વિકસાવવામાં આવી છે. પેમેન્ટ સિસ્ટમને ગુણવત્તામાં સુધારણા લાવવા માટે અને દર્દીઓને તેનો લાભ મળશે. આમાં એનએબીએચ હેઠળ પૂર્ણ માન્યતા પ્રાપ્ત હોસ્પિટલોને વધુ પ્રોત્સાહન આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આયુષ્માન ભારત યોજનાની જાહેરાત બે વર્ષ પહેલા સામાન્ય બજેટમાં કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 23 સપ્ટેમ્બર 2018એ યોજનાની ઔપચારિક શરૂઆત કરી હતી. ડિસેમ્બર 2018માં દેશના 33 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે યોજના લાગુ કરવા માટે સહમતિ મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા હતા.
(સંકેત)