- જગતના તાતને હવે મોદી સરકાર આપશે વધુ એક ખુશખબર
- મોદી સરકાર ખેડૂતોને ખાતર ખરીદવા માટે વાર્ષિક રૂ.5000 આપશે
- આ નિર્ણયથી સબસિડીની રકમ સીધી ખેડૂતના ખાતામાં આવશે
નવી દિલ્હી: જગતના તાત એવા ખેડૂતોને મોદી સરકાર તરફથી વધુ એક ખુશખબર મળે તેવી શક્યતા છે. હાલમાં ખેડૂતોને પ્રધાનમંત્રી સન્માન નિધિ સ્કીમ હેઠળ વર્ષે 6000 રૂપિયાની મદદ આપવામાં આવે છે. આ સિવાય ખેડૂતોને બીજા 5000 રૂપિયા આપવાની તૈયારી કેન્દ્ર સરકાર કરી રહી છે. આ રકમ તેને ખાતર ખરીદવા માટે આપવામાં આવશે.
સરકાર હવે ખાતર કંપનીઓને ખેડૂતોને સસ્તા ભાવે ખાતર મળે તે માટે અપાતી સબસિડી આપવાની જગ્યાએ આ રકમ સીધી ખેડૂતોના હાથમાં આપવા માંગે છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, સરકારે ગઠિત કરેલા કમિશન ફોર એગ્રિકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઇઝીઝ દ્વારા કેન્દ્ર સરકારને આ ભલામણ કરવામાં આવી છે. કમિશન ઇચ્છે કે, વર્ષમાં બે વાર ખેડૂતોને 2500 રૂપિયા આપવામાં આવે. જેથી તેઓ ખેતીની બે સિઝન શરૂ થાય તે પહેલા ખાતર ખરીદી શકે. જો સરકાર આ ભલામણનો સ્વીકાર કરે છે તો ખેડૂતો માટે વધારે મૂડી ઉપલબ્ધ બનશે. તેનું કારણ એ છે કે સબસિડીની રકમ સીધા તેમના ખાતામાં આવશે.
સરકારના આ નિર્ણય પાછળનું વધુ એક કારણ એ પણ છે કે હાલમાં જે ખાતર કંપનીઓને સબસિડી આપવામાં આવે છે અને સિસ્ટમમાં કથિતપણે વ્યાપક ભ્રષ્ટાચાર હોવાની બૂમો પડતી રહે છે. સહકારી સમિતિઓ અને ભ્રષ્ટ અધિકારીઓના કારણે ખાતરની અછત સર્જાય છે અને અંતે ખેડૂતો મોંઘી કિંમતે ખાતર ખરીદવા માટે મજબૂર બને છે.
(સંકેત)