લદ્દાખમાં સરહદ પણ તણાવ: આજે ફરી ભારત-ચીન વચ્ચે જોઇન્ટ સેક્રેટરી લેવલની વાતચીત થશે
- ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં સરહદ પર હજુ તણાવ
- આજે ફરી બંને દેશો વચ્ચે જોઇન્ટ સેક્રેટરી લેવલની વાતચીત થશે
- ચીન હજુ પણ કેટલાક વિસ્તારોમાં કરી રહ્યું અતિક્રમણ
ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં સરહદ પર હજુ પણ તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ભારત અને ચીન ફરી ચર્ચા કરશે. વર્કિંગ મેકેનિઝમ ફોર કન્સલ્ટેશન એન્ડ કો-ઓર્ડિનેશન (WMCC)ની 18મી મીટિંગમાં બને દેશોના જોઇન્ટ સેક્રેટરી લેવલના અધિકારી સામેલ થશે. બેઠકમાં પૂર્વ લદ્દાખ ડી-એસ્કલેશન એટલે કે સૈન્ય ઉપકરણ અને ઠેકાણાઓને હટાવવા અંગે સહમતિ બનાવવાના પ્રયાસો કરાશે.
આપને જણાવી દઇએ કે ગત મહિને WMCCની 17મી બેઠક યોજાઇ હતી. જેમાં લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર પૂરી રીતે સૈનિકોને પાછળ ખસેડવાની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી કરવા માટે બંને દેશ રાજી થયા હતા. બેઠકમાં એ વાત પર સહમત સધાઇ હતી કે સંબંધ સુધારવા માટે એગ્રીમેન્ટ અને પ્રોટોકોલ પ્રમાણે બોર્ડર વિસ્તારમાં ડી-એસ્કેલેશન કરીને પૂરી રીતે શાંતિ જાળવી રાખવી આવશ્યક છે.
સરહદ પરના તણાવને દૂર કરવા માટે બંને દેશો વચ્ચે અત્યારસુધી અનેક મંત્રણા થઇ હોવા છત્તાં ચીન પૂર્વ લદ્દાખના ફિંગર એરિયા, દેપ્સાંગ અને ગોગરા વિસ્તારમાંથી પાછળ ખસી રહ્યું નથી. ચીનના સૈનિકો ત્રણ મહિનાથી ફિંગર વિસ્તારમાં છે. અહીંયા તેઓ બંકર બનાવી રહ્યા છે અને અતિક્રમણ પણ વધારી રહ્યા છે.
(સંકેત)