આદિત્ય ઠાકરેએ વર્લી વિધાનસભા બેઠક પરથી દાખલ કર્યું નામાંકન, પિતા ઉદ્ધવ બોલ્યા- આશા છે જનતા આપશે આશિર્વાદ
- આદિત્ય ઠાકરેએ વર્લી બેઠક પરથી નામાંકન કર્યુ દાખલ
- આદિત્ય ઠાકરેના માતા-પિતા નામાંકન વખતે હતા હાજર
- ઠાકરે પરિવારના પહેલા સદસ્ય લડી રહ્યા છે ચૂંટણી
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 માટે શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ મુંબઈની વર્લી વિધાનસભા બેઠક પરથી ગુરુવારે નામાંકન દાખલ કર્યું છે. આ પ્રસંગે શિવસેનાએ રોડ શૉ દ્વારા પોતાનું શક્તિ પ્રદર્શન પણ કર્યું છે. મુંબઈની સડકો પર મોટી સંખ્યામાં શિવસૈનિકો પણ ઉતર્યા હતા. આદિત્ય ઠાકરે શિવસેના અને ભાજપના મહાગઠબંધનના ઉમેદવાર છે. આદિત્ય ઠાકરેએ નામાંકન દાખલ કરતા પહેલા રોડ શૉ માટે આદિત્ય પોતાના નાના ભાઈ અને માતા સાથે પહોંચ્યા હતા. જો કે નામાંકન દાખલ કરતી વખતે તેમના પિતા ઉદ્ધવ ઠાકરે પણ તેમની સાથે હતા.
આદિત્ય ઠાકરેના પિતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ છે કે સમાજસેવા ઠાકરે પરિવારની પરંપરા છે. તમામ શિવસૈનિકોએ આદિત્યને આશિર્વાદ આપ્યા છે. આશા છે કે જનતા આદિત્યને પોતાના આશિર્વાદ પશે. ઘરેથી નીકળતા પહેલા આદિત્ય ઠાકરેએ પોતાના દાદા સ્વર્ગીય બાલાસાહેબ ઠાકરેની તસવીરને નમન કરીને તેમના આશિર્વાદ લીધા હતા.
મીડિયાની સાથે વાત કરતા આદિત્ય ઠાકરેએ કહ્યુ છે કે જનતાનો પ્રેમ અને ઉત્સાહ જોઈને ઘણી ખુશી થઈ રહી છે. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ આદિત્ય ઠાકરે વિરુદ્ધ ઉમેદવાર ઉભા નહીં રાખવાનું એલાન કર્યું છે.
આદિત્ય ઠાકરેને શિવસેના મુખ્યપ્રધાન પદના ચહેરા તરીકે પ્રોજેક્ટ કરી રહી છે. શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે ઘણાં મંચો પરથી કહી ચુક્યા છે કે તેઓ શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરેને આપેલો વાયદો એક દિવસ જરૂર પુરો કરશે અને શિવસેનાના મુખ્યપ્રધાન રાજ્યમાં એક દિવસ જરૂરથી તે ખુરશી પર ફરી એકવાર બેસશે.
આદિત્ય ઠાકરેના ધારાસભ્ય બનવાના માર્ગમાં કોઈ મુશ્કેલી ઉભી થાય નહીં તેને લઈને શિવસેના ખાસી મહેનત કરી રહી છે. વર્લી વિધાનસભા બેઠક તરીકે સૌથી પહેલા એક બેહદ સુરક્ષિત બેઠક શોધવામાં આવી. આ મતવિસ્તારને એનસીપીના મુંબઈ પ્રદેશ પ્રમુખ અને ભૂતપૂર્વ પ્રધાન સચિન અહીરને શિવસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. આ બેઠક સચિન અહિરનો મતવિસ્તાર હતી. જો કે ગત ચૂંટણીમાં શિવસેનાના ધારાસભ્ય સુનીલ શિંદે સામે સચિન અહિર આ બેઠક પરથી હારી ગયા હતા.
હવે આ ચૂંટણી મતવિસ્તારમાં કોઈ મોટા વિરોધી નેતા આદિત્ય ઠાકરેને પડકારે તેવું દેખાય રહ્યું નથી. અટકળો છે કે આ બેઠક પર વિપક્ષ કોઈ ધાકડ ઉમેદવારને મેદાનમાં ઉતારે નહીં તેને લઈને શિવસેના પહેલેથી જ હાથ-પગ મારવા લાગી હતી. તાજેતરમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે એનસીપીના અધ્યક્ષ શરદ પવાર સાથે મુલાકાત પણ કરી હતી. જો કે તેમણે તેને અંગત મુલાકાત ગણાવી હતી.
મહારાષ્ટ્રનો રાજકીય ઈતિહાસ સાક્ષી છે કે એનડીએમાં રહેતા શિવસેનાએ ભાજપની નારાજગીને અવગણીને ઘણીવાર એનસીપી અને કોંગ્રેસની રાજકીય મદદ કરી છે તથા શિવસેના હવે આ વાતની વિપક્ષને યાદ પણ અપાવી રહી છે. 2006માં એનસીપીના રાજ્યસભાના સાંસદ વસંત ચવ્હાનનું જ્યારે નિધન થયું હતું, ત્યારે ખાલી થયેલી આ બેઠક માટે થયેલી પેટાચૂંટણીમાં શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારે બાલાસાહેબ ઠાકરેએ સુપ્રિયા સુલેની વિરુદ્ધ શિવસેના ઉમેદવાર ચૂંટણીમાં નહીં ઉતારીને શરદ પવારના પુત્રીની જીતનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો. સુપ્રિયા સુલેએ ચૂંટણીમાં બિનહરીફ જીત પ્રાપ્ત કરી હતી.
જ્યારે 2007માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે યુપીએના ઉમેદવાર પ્રતિભા પાટિલ ચૂંટણી લડી રહ્યા હતા, તે સમયે બાલાસાહેબ ઠાકરેએ ભાજપના વાંધાના અવગણીને પ્રતિભા પાટિલને ટેકો આપ્યો હતો. શિવસેનાએ ગાઈ-વગાડીને કોંગ્રેસને પણ મદદનો હાથ લંબાવ્યો છે. 2012માં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પ્રણવ મુખર્જી હતા. પ્રણવ મુખર્જી-બાલાસાહેબ ઠાકરે મુલાકાતને કારણે સોનિયા ગાંધી નારાજ થયા હતા. તેનો ઉલ્લેખ પ્રણવ મુખર્જીએ પોતાની આત્મકથા – The Coalition Years-1996-2012- માં કર્યો છે.
બાલાસાહેબ પ્રણવ મુખર્જીની મુલાકાત એનસીપી સુપ્રીમો શરદ પવારે કરાવી હતી. બાલાસાહેબે કહ્યુ હતુ કે મરાઠા ટાઈગરનું બંગાલ ટાઈગરને સમર્થન. આજે ઉદ્ધવ ઠાકરે સાથે આ ચૂંટણી બિનહરીફ થશે, તેવો સવાલ પુછવામાં આવ્યો હતો. તેના જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ હતુ કે હું કોઈને આમ કહીશ નહીં કે અમે તમારા માટે કર્યું છે. તમે પણ કરો.
વર્લી વિધાનસભા બેઠક મરાઠી વોટરોના વર્ચસ્વવાળી છે. આ બેઠક પર ઘણી મોટી કોર્પોરેટ કંપનીઓના કાર્યાલય છે. આદિત્ય ઠાકરેની છબીને કારણે તેઓ અંગ્રેજી બોલતા એલીટ ક્લાસની સાથે મરાઠી લોકો સાથે પણ કનેક્ટ થઈ શકે છે. આ દ્રષ્ટિથી પણ આ વિધાનસભામાં આદિત્ય ઠાકરેને અહીંથી ચૂંટણી લડાવવામાં આવી રહી છે. જ્યારે આદિત્ય ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી બાંદ્રા ઈસ્ટમાં છે. જ્યાં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સપરિવાર રહે છે. આ વિધાનસભા મતવિસ્તારમાં મુસ્લિમ વોટર્સ મોટી સંખ્યામાં છે. માટે મુંબઈની વર્લી વિધાનસભા બેઠક પરથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે. આના પહેલા બાલ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે કોઈએ પણ ચૂંટણી લડી નથી.