નવી દિલ્હી : ભયંકર ગરમી બાદ વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે ચોમાસા સાથે જોડાયેલા સમાચાર આવી ગયા છે. હવામાન સાથે જોડાયેલી માહિતીની જાણકારી આપનારી એજન્સી સ્કાઈમેટે કહ્યુ છે કે મોનસૂન 4 જૂને ભારતમાં પોતાની સત્તાવાર દસ્તક દેશે. આ જાણકારી હવામાન સાથે જોડાયેલી આગાહી કરનારી એજન્સી સ્કાઈમેટ દ્વારા કરવામાં આવી છે. મોનસૂનના કેરળમાં પ્રવેશની નિર્ધારીત તારીખ પહેલી જૂન છે એટલે કે ચોમાસુ થોડું વિલંબથી પ્રવેશ કરે તેવી શક્યતા છે.

મોનસૂન વિલંબથી આવવાના અહેવાલો સાથે આ જાણકારી પણ મળી છે કે આ વખતે સામાન્યથી ઓછો વરસાદ થશે. સ્કાઈમેટના સીઈઓ જતિનસિંહે કહ્યુ છે કે આ મોનસૂન દેશના તમામ ચાર વિસ્તારોમાં સામાન્યથી ઓછા વરસાદવાળું રહેશે. પૂર્વ, પૂર્વોત્તર અને મધ્યભારતમાં ઉત્તર-પશ્ચિમ ભારત અને દક્ષિણ વિસ્તાર કરતા ઓછો વરસાદ થશે.
એજન્સીનું કહેવું છે કે મોનસૂન 22 મેના રોજ અંદમાન-નિકોબાર ટાપુ પહોંચે તેવી શક્યતા છે. ગત મહીને પણ સ્કાઈમેટે મોનસૂનમા સામાન્યથી ઓછા વરસાદની વાત કહી હતી.
મહત્વપૂર્ણ છે કે આના પહેલા 2018માં મોનસૂનની દ્રષ્ટિએ સૌથી ખરાબ વર્ષ જોવા મળ્યુ હતું. 12 વિસ્તારોમાં ઘણો ઓછો વરસાદ થયો અને ત્યાં દુકાળની અસર જોવા મળી હતી.