મુંબઈ: માયાનગરી મુંબઈની નજીકના અંબરનાથના રહેણાંક વિસ્તારમાં રહેતા સંદીપ તિવારીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે વિરુદ્ધ વ્હોટ્સએપ ગ્રુપ પર કોમેન્ટ કરવી ભારે પડી છે.

આ વ્હોટ્સએપ ગ્રુપ તેમના જ આસપાસ રહેતા લોકોએ બનાવ્યું હતું. તેના ઉપર દેશમાં ચાલી રહેલી રાજકીય ગરમાગરી પર એકબીજાના વિચારોનું આદાન-પ્રદાન થતું હતું. તે વ્હોટ્સએપ ગ્રુપમાં કોઈએ રાજ ઠાકરેનો એક વીડોય પોસ્ટ કર્યો હતો, જેમાં સંદીપ તિવારીએ નકારાત્મક કોમેન્ટ કરી હતી.
આ પોસ્ટની જાણકારી જ્યારે આ વિસ્તારના એમએનએસના નેતાઓને મળી, તો તેઓ ટોળા સાથે સંદીપ તિવારીના ઘરે પહોંચી ગયા અને તેમને બળજબરીથી ડરાવી-ધમકાવી અને એકાદ-બે લાફા મારીને હાથ જોડીને માફી મંગાવી હતી. આટલાથી મન ભરાયું નહીં તો એમએનએસના કાર્યકર્તાઓએ તેમને 25 ઉઠક-બેઠક પણ કરાવી હતી.
આ ઘટના પર એમએનએસના શહેર પ્રમુખ કુમાલ ભોઈરેનું કહેવું છે કે તેઓ આ ઘરમાં કમાવવા માટે આવ્યા છે, તો યોગ્ય રીતે પોતાનું કામ કરે, અમારા નેતા વિરુદ્ધ કોઈ વાત લખે નહીં. ભોઈરેનું કહેવું છે કે જો કોઈ તેમના નેતાની વિરુદ્ધ કંઈપણ ખોટું લખશે અથવા બોલશે તો તેને એમએનએસ સ્ટાઈલમાં જ જવાબ મળશે.
આ મામલામાં શિવાજીનગર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તેમને આ મામલામાં કોઈ રિપોર્ટ મળ્યો નથી, જો પીડિત તરફથી મામલો નોંધવામાં આવે છે, તો તેઓ આ લોકોની વિરુદ્ધ કાર્યવાહી કરશે.
આમ તો આ પહેલો મામલો નથી કે જ્યારે એમએનએસના કાર્યકર્તાઓએ એ લોકોના ઘરે ગયા હોય કે જેમણે રાજ ઠાકરે વિરુદ્ધ સોશયલ મીડિયા પર કોમેન્ટ કરી હોય.