ગુજરાતમાં ચોમાસુ જામ્યું : સુરતના ઉમરપાડામાં 7 ઈંચ વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. તેમજ હળવો વરસાદ પણ વરસ્યો હતો. જ્યારે આજે સવારથી રાજ્યના અનેક શહેરો અને નગરોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 80 તાલુકામાં સવારથી વરસાદ પડી રહ્યો છે. સૌથી વધારે પંચમહાલના જાંબુઘોડામાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે સુરતના માંગરોળમાં 1.5 ઈંચ, પંચમહાલના હાલોલમાં અને કચ્છના મુદ્રામાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે.
ગુજરાતમાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં સવા સાત ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે સુરતના માંડવીમાં 6 ઇંચ, નવસારીના ખેરગામમાં 5 ઇંચ, સુરત માંગરોળમાં પોણા પાંચ ઇંચ, વલસાડના ધરમપુર અને સુરતના કામરેજમાં સાડા ચાર ઈંચ, બારડોલીમાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો.
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને વલસાડના વાપીમાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાજ્યના 7 તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. જ્યારે 17 તાલુકામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. 29 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.