અમદાવાદમાં વીજ કંપનીનું મેગાસર્ચ, વિવિધ વિસ્તારોમાં શરૂ કરી તપાસ
અમદાવાદઃ મેગાસિટી અમદાવાદના વિવિધ વિસ્તારમાં વીજ ચોરીની વ્યાપક ફરિયાદો ઉઠી છે. દરમિયાન વીજ કંપનીએ આજે પોલીસને સાથે રાખીને મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. શહેરના વટવા, ઈસનપુર અને દાણીલીમડા વિસ્તારમાં મોટી સંખ્યામાં અધિકારી-કર્મચારીઓ તપાસ આરંભી છે. વીજ કંપનીની કાર્યવાહીને કારણે વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વિવિધ વિસ્તારમાં વ્યાપક રીતે વીજ ચોરી થતી હોવાની ફરિયોદો ઉઠી છે. જેથી વીજચોરોને ઝડપી લેવા માટે વીજ કંપનીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આજે સવારે વીજ કંપનીના કર્મચારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે વટવા, ઈસનપુર અને દાણીલીમડા વિસ્તારમાં તપાસ આરંભી હતી. પોલીસની સાથે એસઆરપીની એક ટીમ પણ સર્ચ ઓપરેશનમાં જોડાઈ છે. તાજેતરમાં વટવામાં ચાર માળીયામાં સર્ચ કરવા ગયેલી વીજ કંપનીના કર્મચારી ઉપર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એક એસઆરપી, 3 પીઆઈ, છ પીએસઆઈ તેમજ એસઆરપીની ટીમ તૈનાત કરવામાં આવી છે. વીજ કંપનીના દરોડોમાં લાખોની વીજ ચોરી પકડાવવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.