ફોન પર જવાબ નહીં આપવાના મોદીના આરોપ પર મમતાનો પલટવાર, કહ્યું- તમે એક્સપાયર PM , રાજ્યને તમારી જરૂર નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ફેની વાવાઝોડાં પર ઘટિયા રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો. પીએમએ કહ્યું કે તેમણે વાવાઝોડાંને કારણે રાજ્યની પરિસ્થિતિ વિશે જાણવા માટે સીએમને ફોન કર્યો પરંતુ તેમણે વાત ન કરી. હવે પીએમ મોદીના આ દાવા પર સીએમ મમતા બેનર્જીએ પલટવાર કર્યો છે. તેમણે નરેન્દ્ર મોદીને એક્પાયર પીએમ ગણાવીને કહ્યું કે રાજ્યને તેમની જરૂર નથી. મમતાએ આરોપ લગાવ્યો કે ગયા વખતે જ્યારે રાજ્યમાં પૂર આવ્યું હતું, ત્યારે તેઓ પીએમ મોદીને બે વખત મળવા માટે ગયા હતા. પરંતુ કેન્દ્ર સરકારે તેમની કોઈ મદદ કરી ન હતી.
તેમણે કહ્યું, “હું તેમને પૂછવા માંગું છું કે તેઓ ત્યારે ક્યાં હતા જ્યારે લાલગઢ જેવા પછાત વિસ્તારો મુસીબતમાં હતા. ત્યારે કેટલી વાર તમે અહીંયા કેટલીવાર આવ્યા હતા?” તેમણે એવા પણ સંકેત આપ્યા કે પીએમએ ફેની વાવાઝોડા પછી રિવ્યુ મીટિંગ માટે એક પ્રસ્તાવ મોકલ્યો કારણકે લોકસભા ચૂંટણી ચાલી રહી છે. મમતાએ કહ્યું, “ચૂંટણી દરમિયાન તમે આવો છો. ગયા વખતે પૂર દરમિયાન હું તમને બે વાર મળવા આવી હતી અને મદદ માંગી હતી પરંતુ તમે એક પૈસો પણ ન આપ્યો.”
મમતાએ મોદીને જવાબ આપતા કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ટીએમસી સરકાર કોઈની પણ મદદ વગર આવી પરિસ્થિતિઓને સંભાળવા માટે સક્ષમ છે. તેમણે કહ્યું, ‘રાજ્યમાં જે કંઇપણ થયું છે તેને સંભાળવા માટે રાજ્ય સરકાર સક્ષમ છે. અમને તમારી જરૂર નથી. તમે (પીએમ મોદી) ફોટો સેશન માટે સીએમ વગર મીટિંગ યોજવા માંગો છો.’
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ ચૂંટણી રેલીમાં કહ્યું કે તેઓ ઓડિશામાં ફેની તોફાન પછી પરિસ્થિતિનો રિવ્યુ કરવા માટે પહોંચ્યા. તેઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે પણ વાત કરવા માંગતા હતા. તેમણે ફોન પણ કર્યો પરંતુ મમતાએ વાત ન કરી. તેમના ફોનની રાહ પણ જોઈ પરંતુ મમતા દીદીએ વળતો ફોન ન કર્યો.