1. Home
  2. revoinews
  3. મહાત્મા ગાંધી કસ્તૂર બા સિવાય આ 8 મહિલાઓની સાથે પણ હતા બેહદ નજીક
મહાત્મા ગાંધી કસ્તૂર બા સિવાય આ 8 મહિલાઓની સાથે પણ હતા બેહદ નજીક

મહાત્મા ગાંધી કસ્તૂર બા સિવાય આ 8 મહિલાઓની સાથે પણ હતા બેહદ નજીક

0
Social Share
  • કસ્તૂરબા મહાત્મા ગાંધીના પત્ની હતા
  • કસ્તૂરબા સાથે ગાંધીના 13 વર્ષની વયે થયા હતા લગ્ન

દેશને આઝાદી અપાવવામાં મોટું યોગદાન આપનારા મહાત્મા ગાંધીનું જીવન એક ખુલ્લી કિતાબ છે. પરંતુ તેમ છતાં મુઠ્ઠીભર લોકો ગાંધીજી સંદર્ભે ઘણી ઓછી વાતો જાણે છે. પોતાના વિચારોથી આખી દુનિયાને પ્રભાવિત કરનારા ગાંધીજી કસ્તૂરબા ગાંધીથી બેહદ નજીક હતા. તેમના 13 વર્ષની વયે તેમનાથી એક વર્ષ મોટા કસ્તૂરબા ગાંધી સાથે લગ્ન થયા હતા. ગાંધીજી દર વખતે ભીડથી ઘેરાયેલા રહેતા હતા. પરંતુ આ ભીડમાં કસ્તૂરબા ગાંધીનો ચહેરો પણ દર વખતે જોઈ શકાતો હતો. જો કે આ ભીડમાં કેટલાક ચહેરા એવા પણ હતા કે જે માત્ર ગાંધી વિચારોથી જ પ્રભાવિત ન હતા, પરંતુ તેઓ તેમની બેહદ નજીક પણ હતા.

અહીં કેટલીક આવી જ મહિલાઓ સંદર્ભે જણાવવા જઈ રહ્યા છીએ કે જેઓ મોહનદાસ કરમચંદ ગાંધીના વિચારોને કારણે તેમની બેહદ નજીક રહી હતી. તેમના જીવનમાં ગાંધીજીના વિચારોએ એટલી ઘેરી અસર ઉભી કરી હતી કે તેમમે તેમના માર્ગ પર જ ચાલવાનું શરૂ કરી દીધું હતું. ચાલો તમે જણાવીએ કેટલીક આવી મહિલાઓ સંદર્ભે, જેમની જિંદગીમાં ગાંધીજીની ઘેરી અસર રહી હતી.

સરોજિની નાયડુ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પહેલા મહિલા અધ્યક્ષ સરોજિની નાયડુ અને ગાંધીજીની પહેલી મુલાકાત લંડનમાં થઈ હતી. તે મુલાકાત સંદર્ભે જણાવતા સોરોજિનીએ કહ્યું હતું કે એક નાના કદનો વ્યક્તિ, તેના માથા પર વાળ ન હતા. જમીન પર ધાબળો નાખીને જૈતૂન તેલમાં વઘારેલા ટામેટાં ખાઈ રહ્યો હતો. દુનિયાના મશહૂર નેતાને આમ જોઈને હું ખુશીથી હસવા લાગી. ત્યારે તમણે સવાલ કર્યો કે તમે જરૂર મિસિસ નાયડુ હશો. આવો મારી સાથે ભોજન શેયર કરો. ત્યારે તેમણે આભાર વ્યક્ત કરતા કહ્યુ, શું બેકાર રીત છે આ. આ પ્રકારે સરોજિની અને ગાંધીના સંબંધોની શરૂઆત થઈ હતી. તેના પછી જ્યારે ગાંધીજીની ધરપકડ થઈ હતી, તો સરોજિની નાયડુએ જ નમક સત્યાગ્રહની આગેવાની કરી હતી.

મેડેલીન સ્લેડ ઉર્ફે મીરાબેન

મેડલીન બ્રિટિશ એડમિરલ સર એડમંડ સ્લેડની પુત્રી હતા. તેઓ રોમન રોલેડ દ્વારા લખવામાં આવેલી ગાંધીજીની બાયોગ્રાફીને વાંચીને ઘણાં પ્રભાવિત થયા હતા. તેમણે ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈને દારૂની લત છોડી ખેતી શિખવાનું શરૂ કર્યું અને શાકાહારી પણ બની ગયા. તેમણે પત્ર લખીને ગાંધીને તેમના આશ્રમમાં આવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. ગાંધીજીને મળ્યા બાદ મેડલિનનું નામ મીરાબેન પાડવામાં આવ્યું હતું. ત્યાર પછી તેમણે પોતાનું સમગ્ર જીવન ગાંધીજીના આશ્રમમાં જ પસાર કર્યું હતું.

નિલા ક્રેમ કુક

ખુદને કૃષ્ણની ગોપી માનનારા નિલા માઉન્ટ આબુમાં એક ધાર્મિક ગુરુ સાથે રહેતા હતા. ગાંધીજી સાથે વાતચીત એક પત્ર દ્વારા શરૂ થઈ હતી. જેમાં તેમણે અસ્પૃશ્યતા વિરુદ્ધ કરવામાં આવેલા કામકાજ બાબતે ગાંધીને સચેત કર્યા હતા. તેના પછી બંને વચ્ચે પત્રોનો સિલસિલો શરૂ થયો હતો. બાદમાં ગાંધીજી સાથે નિલાની યરવાડા જેલમાં મુલાકાત થઈ હતી. ગાંધીજીએ તેમને સાબરમતી આશ્રમ મોકલ્યા, જ્યાં તેઓ કેટલોક સમય બાદ ખાસ જોડાણ મહેસૂસ કરવા લાગ્યા હતા. જો કે તેમને આશ્રમનો એકાંત માહોલ પસંદ પડયો નહીં, તેઓ એક દિવસ અહીંથી ભાગી ગયા હતા. બાદમાં તેઓ એક દિવસ વૃંદાવનમાં મળ્યા હતા અને કેટલોક સમય બાદ તેમને અમેરિકા મોકલી દેવામાં આવ્યા હતા. જ્યાં તેમણે ઈસ્લામ ધર્મ અંગિકાર કર્યો હતો.

સરલાદેવી ચૌધરાની

ભાષાઓ, સંગીત અને લેખનમાં રસ ધરાવતા સરલાદેવી રવિન્દ્રનાથ ટાગોરના ભત્રીજી હતા. લાહોર યાત્રા દરમિયાન ગાંધીજી સરલા દેવીના ઘરે જ રોકાયા હતા. ગાંધીજી સરલા દેવીને આધ્યાત્મિક પત્ની ગણાવતા હતા. ગાંધીજી અને સરલાએ સાથે મળીને ભારતમાં ખાદીનો પ્રચાર પણ કર્યો હતો. પરંતુ સરલાદેવીની હક જમાવવાની આદતને કારણે ગાંધીજીએ તેમનાથી અંતર બનાવી લીધું હતું. કેટલાક સમય બાદ હિમાલયમાં એકાંતવાસ દરમિયાન સરલાદેવીનું મોત નીપજ્યું હતું.

રાજકુમારી અમૃત કૌર

કપૂરથલાના રાજા સર હરનામસિંહના પુત્રી રાજકુમારી અમૃત કૌર ગાંધીજીની સૌથી નજીકના સત્યાગ્રહીઓમાંથી એક છે. 1934માં તેમની ગાંધીજી સાથે પહેલી મુલાકાત યોજાઈ હતી. બાદમાં તેમણે એકબીજાને સેંકડો પત્રો મોકલ્યા હતા. નમક સત્યાગ્રહ અને 1942માં ભારત છોડો આંદોલન દરમિયાન તેઓ જેલમાં પણ ગયા હતા. બાદમાં આઝાદ ભારતના પહેલા આરોગ્ય પ્રધાન બનવાનું સૌભાગ્ય પણ રાજકુમારી અમૃત કૌરને પ્રાપ્ત થયું હતું. ગાંધીજી રાજકુમારી અમૃત કૌર માટે લખેલા પત્રોની શરૂઆત, મેરી પ્યારી પાગલ અને બાગી લખીને કરતા તથા આખરમાં ખુદને તાનાશાહ લખતા હતા.

ડૉ. સુશીલા નય્યર

પરિવારના વિરોધ બાદ પણ સુશીલા અને તેમના ભાઈ પ્યારેલાલ ગાંધીજી પાસે જવાથી ખુદને રોકી શક્યા ન હતા. મેડિકલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સુશીલા મહાત્મા ગાંધીના અંગત ડોક્ટર બની ગયા હતા. મનુ અને આભા બાદ ગાંધીજી પોતાની વૃદ્ધાવસ્થામાં સુશીલાના ખભા પર પોતાના વૃદ્ધ હાથ મૂકીને સહારો લેતા હતા. ભારત છોડો આંદોલન દરમિયાન કસ્તૂરબા ગાંધી સાથે તેઓ પણ એરેસ્ટ થયા હતા. કસ્તૂરબા ગાંધી આખરી દિવસોમાં સુશીલા સાથે જ રહેતા હતા.

આભા ગાંધી

બંગાળના વતની આભા ગાંધીના લગ્ન ગાંધીજીના પ્રપૌત્ર કનુ ગાંધી સાથે થયા હતા. આભા ગાંધીજીની પ્રાર્થનાસભામાં ભજન ગાતા હતા અને કનુ ગાંધી ફોટોગ્રાફી કરતા હતા. નાથુરામ ગોડસેએ જ્યારે ગાંધીજીને ગોળી મારી હતી, ત્યારે આભા ગાંધી પણ ત્યાં હાજર હતા.

મનુ ગાંધી

મનુ મહાત્મા ગાંધીના દૂરના સગાં હતા. ગાંધીજી તેમને પોતાની પૌત્રી કહેતા હતા. આભાની સાથે મનુ ગાંધી જ હતા, કે જેઓ બાપુના વૃદ્ધ શરીરને ખભો આપીને ટેકો આપતા હતા. જે માર્ગો પર મહાત્મા ગાંધીના વિરોધીઓ મળ-મૂત્ર નાખતા હતા, તે માર્ગો પર ગાંધીજીની સાથે મનુ અને આભા જ ઝાડૂં ઉઠાવતા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code