LIVE UDATE લોકસભા ચૂંટણીનો પાંચમો તબક્કો: કાશ્મીરના પોલિંગ બૂથ પર ગ્રેનેડથી હુમલો, પ.બંગાળમાં ઘર્ષણ

લોકસભા ચૂંટણી માટે પાંચમા તબક્કામાં સાત રાજ્યોની 51 બેઠકો પર વોટિંગ ચાલી રહ્યું છે. આ તબક્કામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ, યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીના ભાગ્યનો નિર્ણય જનતા કરશે.
આ સિવાય ઝારખંડના હજારીબાગમાં ભૂતપૂર્વ નાણાં પ્રધાન યશવંતસિંહા પત્ની નીલિમા સિંહાની સાથે પોલિંગ બૂથ પર વોટિંગ કરવા પહોંચ્યા હતા. હજારીબાગથી તેમના પુત્ર જયંતસિંહાની સામે કોંગ્રેસના ગોપાલ સાહૂ અને સીપીઆઈના ભુવનેશ્વરપ્રસાદ મેહત ચૂંટણી મેદાનમાં છે.
મધ્યપ્રદેશના ગદરવારાના નરસિંહપુરમાં અભિનેતા આશુતોષ રાણાએ બૂથ ક્રમાંક-105 ખાતે મતદાન કર્યું
આ તબક્કામાં કુલ 8.75 કરોડ મતદાતા 96 હજાર મતદાનકેન્દ્ર પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. તેની સાથે જ લોકસભાની 53માંથી 25 બેઠકો પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. આ તબક્કામાં લખનૌથી રાજનાથસિંહની સામે સમાજવાદી પાર્ટીના પૂનમ સિંહા, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે સ્મૃતિ ઈરાની અને રાયબરેલીથી સોનિયા ગાંધી ચૂંટણી મેદાનમાં છે.
આ સિવાય ભૂતપૂર્વ કેન્દ્રીય પ્ધાન જિતિન પ્રસાદ ધૌરહરાથી, સુબોધકાંત સહાય રાંચીથી, કેન્દ્રીય પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠોડ જયપુર ગ્રામીણથી, જયંત સિંહા હજારીબાગથી, સાધ્વી નિરંજન જ્યોતિ ફતેહપુરથી ચૂંટણી લડી રહ્યા છે. બારાબંકીથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. એલ. પુનિયાના પુત્ર તનુજ પૂનિયા અને મધુબનીથી હુકુમનારાયણ યાદવના પુત્ર અશોક યાદવ પણ ચૂંટણી લડી રહ્યા છે.
કેન્દ્રીય પ્રધાન અને ઝારખંડની હજારીબાગ બેઠક પરથી ભાજપના ઉમેદવાર જયંત સિંહાએ વોટિંગ કર્યું છે. જયંત સિંહા કોંગ્રેસના ગોપાલ સાહૂ અને સીપીઆઈના ભુવનેશ્વરપ્રસાદ મેહતા સામે ચૂંટણી લડી રહ્યા છે.
કાશ્મીરના પોલિંગ બૂથ પર ગ્રેનેડ હુમલાના અહેવાલ છે. પુલવામા જિલ્લાના પોલિંગ બૂથ પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે.
તો પશ્ચિમ બંગાળની બેરકપુર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અર્જુનસિંહે આરોપ લગાવ્ય છે કે ટીએમસીના ગુંડાઓએ તેમના ઉપર હુમલો કર્યો છે.
પાંચમા તબક્કામાં સવારે નવ વાગ્યા સુધીમાં 7.7 ટકા સરેરાશ મતદાન થયું છે. જેમાં જમ્મુ-કાશ્મીરમાં 0.28 ટકા, મધ્યપ્રદેશમાં 0.92 ટકા, રાજસ્થાનાં 1.44 ટકા, ઉત્તરપ્રદેશમાં 6.36 ટકા, પશ્ચિમ બંગાળમાં 4.51 ટકા અને ઝારખંડમાં 6.09 ટકા વોટિંગ સવારે નવ વાગ્યા સુધીમાં નોંધાયું છે.
લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં બીએસપીના પ્રમુખ માયાવતીએ લખનૌમાં વોટિંગ કર્યું છે. પોતે વોટિંગ કર્યા બાદ માયાવતીએ વોટરોને વોટિંગ કરવાની અપીલ કરી છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન ને લખનૌમાં ભાજપના ઉમેદવાર રાજનાથ સિંહે પોલિંગ બૂથ ક્રમાંક-333 પર મતદાન કર્યું છે. વોટિંગ કર્યા બાદ રાજનાથસિંહે કહ્યુ હતુ કે હું આશ્વસ્ત છું કે ભાજપને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમા તબક્કામાં મતદાન કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે કે લોકસભા ચૂંટણી 2019ના પાંચમા તબક્કામાં વોટિંગ કરવાની અપીલ કરું છું. એક વોટ આપણા લોકતંત્રને સમૃદ્ધ કરવા અને ભારતના સારા ભવિષ્યમાં યોગદાન આપવાની સૌથી અસરકારક પદ્ધતિ છે. મને આશા છે કે મારા યુવાવર્ગના મિત્રો રેકોર્ડ સંખ્યામાં વોટિંગ કરશે.
કેન્દ્રીય પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠોડે પોતાની પત્ની સાથે જયપુરના એક પોલિંગ સ્ટેશન ખાતે વોટિંગ કર્યું છે.
બિહારના છપરામાં એક પોલિંગ બૂથ પર વ્હીલચેર પર વોટિંગ કરવા માટે એક વૃદ્ધ વ્યક્તિ પહોંચ્યા હતા.
ઝારખંડના હજારીબાગમાં ભૂતપૂર્વ નાણાં પ્રધાન યશવંતસિંહા અને તેમના પત્ની નીલિમા સિંહાએ વોટિંગ કર્યું છે.
પશ્ચિમ બંગાળના બેરકપુર પોલિંગ સ્ટેશન ખાતે મહિલાઓ મોટી સંખ્યામાં વોટિંગ માટે પહોંચી છે.
યુપીના અયોધ્યા ખાતે પણ પોલિંગ સ્ટેશનની બહાર વોટરોની લાંબી કતારો દેખાઈ રહી છે.
યુપીની 14 બેઠકો- અમેઠી, રાયબરેલી, લખનૌ, ધૌરહરા, સીતાપુર, મોહનલાલ ગંજ, બાંદા, ફતેહપુર, કૌશામ્બી, બારાબંકી, ફૈઝાબાદ, બહરાઈચ, કૈસરગંજ અને ગોંડા
રાજસ્થાન 12 બેઠકો- શ્રીગંગાનગર, બિકાનેર, ચૂરુ, ઝુંઝુનૂં, સીકર, જયપુર-ગ્રામીણ, જયપુર, અલવર, ભરતપુર, કરૌલી-ધૌલપુર, દૌસા અને નાગૌર
મધ્યપ્રદેશની 7 બેઠકો- ટીકમગઢ, દમોહ, ખજુરાહો, સતના, રીવા, હોશંગાબાદ અને બૈતૂલ
પશ્ચિમ બંગાળની 7 બેઠકો– બનગાંવ, બેરકપુર, હાવડા, ઉલુબેરિયા, શ્રીરામપુર, હુગલી, આરામબાગ
બિહારની 5 બેઠકો- સીતામઢી, મધુબની, મુઝફ્ફરપુર, સારણ, હાજીપુર
ઝારખંડની 4 બેઠકો- કોડરમા, રાંચી, ખૂંટી, હજારીબાગ
જમ્મુ-કાશ્મીરની 2 બેઠકો – લડાખ, અનંતનાગ