નવી દિલ્હી : એક તરફ મોબ લિંચિંગના વધતા મામલાને લઈને દેશભરમાં રાજનીતિ ગરમાયેલી છે. તો સરકારે સંસદને જણાવ્યું છે કે દેશમાં યુપીએ સરકારના મુકાબલે એનડીએ સરકારમાં રાષ્ટ્રીય લઘુમતી પંચમાં આવનારી ફરિયાદોમાં મોટો ઘટાડો નોંધાયો છે. 2014માં મોદી સરકારની પહેલી ટર્મથી રાષ્ટ્રીય લઘુમતી પંચમાં આવનારી ફરિયાદો ઘટી ગઈ છે અને 2018-19 સુધીમાં તેમા ઘટાડો જ જોવા મળ્યો છે.
સાંસદ એન. કે. પ્રેમચંદના સવાલ પર લઘુમતી કાર્ય પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વીએ કહ્યુ છે કે 2011-12માં 2439, 2012-13માં 2127, 2013-14માં 2637 ફરિયાદો નોંધાઈ હતી. 2014માં મોદી સરકાર સત્તામાં આવી. 2014-15માં 1995, 2015-16માં 1974, 2016-17માં 1647, 2017-18માં 1497 અને 2018-19માં 1871 ફરિયાદો નોંધાઈ છે.
2014 બાદ ઓછી ફરિયાદોના આવવાના મામલામાં રાષ્ટ્રીય લઘુમતી પંચના ચેરમેન ગય્યરુલ હસને કહ્યુ છે કે સરકારમાં લોકોનો વિશ્વાસ વધ્યો છે. ફરિયાદોનું ઓછું થવું જણાવે છે કે નીચલા સ્તર પર લઘુમતી સમુદાયના લોકોને ઈન્સાફ મળી રહ્યો છે. ગય્યરુલ હસને કહ્યુ છે કે તેમની પાસે લડાઈ ઝઘડાને લઈને પ્રશાસનિક નાઈન્સાફી સુધીના તમામ મામલા આવે છે. પરંતુ ઓછી ફરિયાદો જણાવી રહ છે કે જમીન પર પરિસ્થિતિ બદલાઈ છે.
જો કે વિપક્ષ આ આંકડાને લઈને પોતાનો દ્રષ્ટિકોણ ધરાવે છે. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ સૈયદ નસીર હુસૈન કહે છે કે લોકોને આ સરકારમાં વિશ્વાસ જ નથી કે તેમને ઈન્સાફ મળશે. મોબ લિંચિંગના મામલા વધી રહ્યા છે. આ સૌની સામે છે.
રાષ્ટ્રીય લઘુમતી પંચના આંકડાને જોવાનો સરકાર અને વિપક્ષ બંનેનો અલગ પોતાનો દ્રષ્ટિકોણ છે. પરંતુ આંકડાની સચ્ચાઈ એ છે કે ફરિયાદો ગત કેટલાક વર્ષોમાં ઓછી થઈ છે.