ભણવા માટે ઉંચા વૃક્ષો અને પર્વત પર ચડી રહ્યાં છે આ ગામના વિદ્યાર્થીઓ, શું આ વાત વ્યાજબી છે?
અમદાવાદઃ ડિઝીટલ ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત તરફ દેશ મક્કમતાથી આગળ વધી રહ્યો છે. ત્યારે સતત વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતના અનેક અંતરિયાળ ગામો મોબાઈલ નેટવર્ક જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. આધુનિક ટેકલનોજી આંગળીને ટેરવે હોવાની વાતો કરવામાં આવે છે. ત્યારે ડાંગ જિલ્લાના સુબિર પંથકના અનેક ગામોમાં મોબાઈલ નેટવર્કના અભાવને કારણે અનેક સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.
સબિર તાલુકાના અનેક ગામના લોકો મોબાઈલ નેટવર્કની સુવિધાના અભાવે સરકારની ઈમરજન્સી સેવા સહિતની સેવાઓનો પણ લાભ લઈ શકતા નથી. એટલું ઓછુ હોય તેમ કોરોના કાળમાં આપવામાં આવતા ઓનલાઈન શિક્ષણ માટે અહીંના વિદ્યાર્થીઓ ઉંચા પર્વત અને વૃક્ષો ઉપર જીવના જોખમે ચડીને મોબાઈલ નેટવર્ક મેળવીને ઓનલાઈન શિક્ષણ મેળવે છે.
ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકામાં ખોખરી, બરડીપાડા, સાજુપાડા, બંધપાડા અને ધુલદા ગામમાં આજદીન સુધી મોબાઈલ નેટવર્કની સુવિધાઓ ન હોવાના કારણે લોકો ઓનલાઈન શિક્ષણ અને ઇમરજન્સી સેવાઓથી વંચિત રહ્યાં છે. હાલ કોરોનાં મહામારીના કારણે સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે પરંતુ આ ગામોમાં નેટવર્કના હોવાના કારણે વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકતાં નથી. જેથી બાળકના શિક્ષણને પણ અસર પડી રહી છે. વિદ્યાર્થીઓ જીવના જોખમે ડુંગરો અને વૃક્ષ ઉપર બેસીને ઓનલાઈન શિક્ષણ મેળવે છે.
એટલું જ નહીં મોબાઈલ નેટવર્કના અભાવે સ્થાનિકો 108 સહિતની ઇમરજન્સી સેવાઓનો પણ લાભ લઇ શકતા નથી. ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ અને પોલીસનો સંપર્ક કરવો હોય તો આ ગામનાં લોકોને 5 કિમી દૂર ડુંગર કે અન્ય કોઈ જગ્યાએ જવું પડે છે. ગ્રામ્યજનોએ મોબાઈલ નેટવર્કની સુવિધા ઉભી કરવા માટે સરકારને આદેવનપત્ર આપ્યું છે. તેમજ જો સુવિધા ઉભી કરવામાં નહીં આવેતો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.