1. Home
  2. revoinews
  3. આપણા રાષ્ટ્રરત્નો: સત્ય અને અહિંસાના ઉપાસક કર્મવીર મહાત્મા ગાંધી
આપણા રાષ્ટ્રરત્નો: સત્ય અને અહિંસાના ઉપાસક કર્મવીર મહાત્મા ગાંધી

આપણા રાષ્ટ્રરત્નો: સત્ય અને અહિંસાના ઉપાસક કર્મવીર મહાત્મા ગાંધી

0
Social Share

પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા

ધરતી પે લડી તૂને અજબ ઢંગ કી લડાઈ,

દાગી ન કહીં તોપ ન બંદૂક ચલાઈ.

દુશ્મન કે ક઼િલે પર ભી ન કી તૂને ચઢાઈ,

વાહ રે ફ઼કીર ખૂબ ક઼રામાત દિખાઈ.

ચુટકી મેં દુશ્મનોં કો દિયા દેશ સે નિકાલ,

સાબરમતી કે સન્ત તૂને કર દિયા કમાલ.

                         હિંદી સિનેમાની એક સરસ મજાની ફિલ્મ “જાગૃતિ” ૧૯૫૪ માં રજૂ થઈ કવિ પ્રદીપના આ શબ્દો અને આશાજી નો સ્વર આજે પણ આપણા ઘરમાં મોટેરાઓના કંઠે ક્યારેક આ ગીત સાંભળવા મળે ! જો કે આ માત્ર ગીત નથી પણ અમદાવાદમાં સાબરમતીના કિનારે જીવેલા એક સંત અને સત્ય તપસ્વીની જીવનગાથા છે યશોગાથા છે. ૧૮૬૯ની સાલમાં ૨ ઓક્ટોબરે ગુજરાતના પોરબંદરમાં માતા પુતળીબાઈ કરમચંદ ગાંધી અને કરમચંદ ગાંધીને ત્યાં વિશ્વમાનવ અવતર્યા ! એમના નામમાં જ ઈશ્વરત્વ “મોહન” નો વાસ અને વિશ્વકલ્યાણ અને રાષ્ટ્રકલ્યાણના  “દાસ” ભાવના લીધે એમના આજીવન કર્મયોગે એમને માણસ માંથી મહાત્મા બનાવ્યા ! વિશ્વમાં જ્યાં જ્યાં સત્ય પૂજાય અને અહિંસાનું આચરણ થાય  છે ત્યાં ત્યાં સાબરમતીના સંત ને આજે પણ યાદ કરાય છે નામ એમનું મોહનદાસ કરમચંદ ગાંધી !

એમનુ બાળપણ એકદમ સામાન્ય અને શરમાળ રહ્યું દસ વર્ષની ઉંમરે અભ્યાસમાં ફાવટ ના આવી એટલે ઘણી શાળાઓ બદલી શાળામાં પરીક્ષાના પરિણામો ૪૦ ૫૦ ટકાની વચ્ચે રહ્યા! શરમાળ સ્વભાવના કારણે ખુબ ઓછું બોલે અને શાળા છૂટે એટલે કોઈની સાથે વાત ના કરવી પડે એટલે તરત જ ઘરભણી દોટ મૂકે . ઘરમાં ભક્તિસભર વાતાવરણ માં ઉછેર થયો ! શરૂઆતનો અભ્યાસ પોરબંદર ને રાજકોટ માં કર્યો. એ સમયે બાળલગ્નની પ્રથાના લીધે મોહનદાસને માત્ર તેર વર્ષની ઉંમરે ૧૮૮૨માં ગોકળદાસ કાનજીના પુત્રી કસ્તુરબા સાથે લગ્ન કરાવવામાં આવ્યા. મેટ્રિકની પરીક્ષા માંડ પાસ કરી ને ૧૮૮૭ માં તેઓ ભાવનગરની શામળદાસ કોલેજમાં દાખલ થયા  ત્યાં પણ લાંબુ ભણ્યા નહીં મોહનદાસના પરિવારજનો ગુજરાતમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતા પરિવારમાં મોહનનો મોભો જળવાય એટલે પરિવારની લાગણી એવી હતી કે મોહન કાનૂન વકીલાતનો બેરિસ્ટરનો અભ્યાસ કરીને વ્યવસાય કરે એવામાં મોહનદાસના હજુ ૧૯ વર્ષ પણ પુરા નહીં થયા હોય અને અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવાની તક મળી ! વિદેશ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા એમણે ત્યાં પણ એમના માતાને આપેલા વચન પ્રમાણે પારિવારિક સંસ્કારોનું ચુસ્ત પણે પાલન કર્યું. માસ, મદ્યપાન અને તુચ્છ વિચારધારાથી આજીવન દૂર રહ્યા અને શાકાહારી ભોજન જ યોગ્ય માન્યું સાથે સાથે એમણે શાકાહારી સમાજ માં કાર્યકારી સભ્યપદ લીધું અને શાકાહાર માટે વિદેશમાં લોકોને સંગઠિત કરીને શાકાહાર પર ભાર મુક્યો ! ઇંગ્લેન્ડમાં મોટા ભાગનો સમય એમનો અભ્યાસ વાંચન ચિંતન મનન માં જતો. એમના પારિવારિક સંસ્કારોનું વધારે જતન કર્યું તેઓ પાશ્ચાત્ય સંસ્કૃતિના સંસર્ગમાં આવ્યા મોંઘા કપડાં , ટાઈ, શૂટ , ટોપી વગેરે પહેરતા નાચગાન અને વાયોલિન શીખવાનો પ્રયત્ન કર્યો પણ એમના પારિવારિક સંજોગો અને ભાઈ ની સંઘર્ષ યાત્રા યાદ આવતા એમણે કરકસરયુક્ત જીવન જીવવાનું શરુ કર્યું. એમનું વ્યક્તિત્વ સુંદર રીતે ઘડાતું જતું હતું એમને ભાષણકલામાં રસ પડયો એ વિષેના પુસ્તકો વાંચ્યા ત્યાં તેઓ થિયોસોફીસ્ટ અંગ્રેજ ભાઈઓના સંપર્કમાં આવ્યા એમણે ભગવદગીતા , બુધ્ધચરિત્ર, બાઇબલ , મહંમદ પયગંબરનું જીવનચરિત્ર વાંચ્યું આમ તેઓમાં સર્વધર્મ સમભાવના સદ્દગુણનું સર્જન થયું ! ગાંધીજીએ પોતે નોંધ્યું કે ઇંગ્લેન્ડમાં અભ્યાસ દરમિયાન “આંતરિક અને બાહ્યસ્થિતિ વચ્ચે એકતા ઉપજી , કૌટુંબિક સ્થિતિ સાથે મારી રહેણી કરણીનો મેળ મળ્યો , જીવન વધારે સારમય બન્યું , મારા આત્માનંદનો પાર ન રહ્યો…!! ”

વર્ષ ૧૮૯૧ માં મોહનદાસને  લંડનમાં બેરિસ્ટર તરીકે માન્યતા મળી ! લંડન હાઇકોર્ટમાં નામ દાખલ કરી સ્વદેશમાં ભારતમાં પરત આવ્યા મોહનદાસ સ્વદેશમાં આવતા જ તેમના માતાના મૃત્યુના સમાચાર મળ્યા તેમને ખૂબ દુઃખ થયું ત્યારબાદ મોહનદાસે રાજકોટમાં વકીલાતનો વ્યવસાય શરુ કર્યો પણ વ્યવસાય બરોબર ના ચાલતા તેઓ મુંબઈ ગયા ત્યાં પણ તેમને વકીલાતના કામમાં નિરાશા મળી તેઓ પાછા રાજકોટ આવ્યા રાજકોટમાં ધીરે ધીરે વ્યવસાય શરુ થયો અને એટલામાં દક્ષિણ આફ્રિકામાં વેપાર કરતા મેમણ બંધુઓની પેઢી તરફથી તેમને એક વર્ષ માટે દક્ષિણઆફ્રિકામાં નોકરીનું આમંત્રણ મળતા તેઓ દક્ષિણ આફ્રિકા જવા નીકળ્યા ! ૧૮૯૩ માં દક્ષિણ આફ્રિકાના ડર્બન બંદરે પહોંચ્યા ! ત્યાં રહેવાનો કરાર એક વર્ષનો જ હતો પણ સંજોગોવશાત દક્ષિણ આફ્રિકામાં મોહનદાસએ બે દાયકાથી વધારે રોકાવું પડ્યું. અહીં તેમનું જીવન ઘડતર ચોક્કસ નિર્ણય પર આવ્યું અને દક્ષિણ આફ્રિકામાં થતા અત્યાચારો અને અન્યાયો સામે લઢવા માટે આપણા મોહનદાસે સત્યાગ્રહ નામની નવીન પધ્ધતિની શોધ કરી.

A2FP81 Rare studio photograph of Mahatma Gandhi taken in London England UK at the request of Lord Irwin 1931

આ સમય દક્ષિણ આફ્રિકામાં એશિયાના કાળાગોરાઓની પ્રજાનો તથા હિંદીઓ ની પ્રજાનો વસવાટ હતો પણ રંગભેદની નીતિનો એક એક જગ્યાએ હિંદી અને શ્યામવર્ણ ની પ્રજાને અનુભવ કરવો પડતો. અસહ્ય અન્યાયો અને અપમાનો હિંદી પ્રજા અને શ્યામવર્ણ ની પ્રજાને સહન કરવા પડતા. પ્રાથમિક હકોથી વંચિત રાખવામાં આવતા આમ આ દેશમાં હિંદીઓ અને શ્યામવર્ણી પ્રજાની સ્થિતિ કથળેલી અને દયાજનક હતી મોહનદાસ આ બધુજ જોતા અનુભવતા આ બધું જ મોહનદાસના હદય ને અવારનવાર દુઃખ પહોંચાડતું. મોહનદાસના મનમાં આમ લડાયક વૃત્તિનો જન્મ થયો. અન્યાય સામે અવાજ ઉઠાવવાનો એમણે સંકલ્પ કર્યો. એક વખત મોહનદાસ ડર્બનથી પ્રથમ વર્ગની ટિકિટ લઈ ને પ્રિટોરિયા જવા માટે ટ્રેનમાં  નીકળ્યા. નાતાલની રાજધાની પીટરમેરીટ્સબર્ગ પહોંચી એમની પાસે પ્રથમવર્ગની ટિકિટ હોવા છતાં રંગભેદની દ્વેષપૂર્ણ નીતિના કારણે રેલવે અધિકારીએ બળજબરી પૂર્વક એમણે અપમાનિત કરીને ઉતારી મુક્યા અને સામાન ટ્રેનના ડબ્બામાંથી ફેંકી દીધો. મોહનદાસનો ગુસ્સો આસમાને હતો .આખી રાત એમના સમાન ને તેઓ અડક્યા વિના ત્યાંના ત્યાં જ પડ્યા રહ્યા આજ રાત દક્ષિણ આફ્રિકા અને ભારત દેશ માટે પરિવર્તનની નવી સવાર લાવનારી સાબિત થઈ. મોહનદાસ રંગભેદની નીતિ અને તમામ અપમાનોનો બદલો લેવા માટે તૈયાર થયા .

એમણે દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને સંગઠિત કરવાનું બીડું ઝડપ્યું રંગદ્વેષની નીતિના વિરોધમાં સભાઓ ગજવી ,હકો માટે લોકજાગૃતિ વધારી આફ્રિકામાં વસતા હિંદીઓ નું સામાજિક આર્થિક અને રાજકીય અસ્તિત્વ ઉભું કર્યું એમની રહેણી કરણી સુધારી “નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ” સ્થાપ્યું હિંદી મજૂરો માટે ખૂબ કામ કર્યું એમનું સ્વમાન પાછું અપાવ્યું ઇસ ૧૮૯૪ થઈ ૧૯૧૪ સુધી આંદોલનો ચલાવ્યા જેલવાસો ભોગવ્યા અને એ રીતે મોહનદાસમાં “સત્યાગ્રહ” ના માધ્યમથી દેશને પણ અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ કરવાના દ્ઢ સંકલ્પનો જન્મ થયો.

સ્વરાષ્ટ્રની લડત માટે વિદેશમાં જાત અનુભવોએ તૈયાર થયેલા આ મોહનદાસ હિંદભૂમિ પર પાછા ફર્યા અને ગોપાલ કૃષ્ણ ગોખલેના તથા બીજા અનેક સ્વરાષ્ટ્ર માટે સમર્પિત યોદ્ધાઓ ના કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માં સંપર્ક માં આવ્યા કોંગ્રેસ માં જોડાયા ૧૯૧૫ ની સાલમાં એમના ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલેજીની આજ્ઞાથી તેઓએ ભારતભરમાં ભ્રમણ શરુ કર્યું . ભારતભ્રમણથી તેમને દેશની પ્રજાની સામાજિક, આર્થિક પરિસ્થિતિઓ અને રૂઢિચુસ્તતા, ગરીબી ,નિરક્ષરતા પછાતપણાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો આ પરિસ્થિતિઓ માંથી દેશની જનતા ને બહાર લાવવા માટે તેઓએ સ્વાનુભવે વિકસાવેલી વિચારધારા પ્રસ્થાપિત કરી જે આજે ગાંધીવાદી વિચારધારાના નામે પ્રચલિત છે. ભારતભ્રમણ પૂર્ણ કરીને તેઓ માતૃભૂમિ ગુજરાતમાં આવ્યા અને સાબરમતી ના કિનારે કોચરબ આશ્રમ અને સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી આ આશ્રમ સમય જતા ભારતની આઝાદી નું કેન્દ્રબિંદુ બન્યો ! પહેલા એમણે જાતે અને પછી આશ્રમવાસીઓ પાસે સત્ય , અહિંસા , બ્રહ્મચર્ય , અસ્તેય , અપરિગ્રહ , અસ્વાદવ્રત , અભય , સ્વદેશી , સ્વચ્છતા અને અસ્પૃશ્યતા નિવારણ , જાતમહેનત , સર્વધર્મ સમભાવ એમ અગિયાર વ્રતરૂપી સંકલ્પો લેવડાવ્યા તેઓએ આઝાદી માટે મીઠાનો સત્યાગ્રહ કરવા ચાલીને દાંડીયાત્રા કરી અંગ્રેજ સલ્તનત ને સત્ય અને અહિંસા ના શસ્ત્રોથી વિનમ્ર ભાવે દેશમાંથી જવા માટે મજબૂર કર્યા એમની જીવનયાત્રા સાથે એમણે જાણતા અજાણતા કરેલી ભૂલોને સહજતાથી “સત્યના પ્રયોગો” ના નામે એમની આત્મકથાના માધ્યમથી દુનિયા ની સામે મૂકી .આ રીતે પોતાનું જીવન સંપૂર્ણત: દુનિયા સામે ખુલ્લું મુકવા માટે છપ્પનની છાતી અને સિંહનું કલેજું જોઈએ જે મોહનદાસે કરી બતાવ્યું. એમણે એમનો એક એક શ્વાસ વિશ્વકલ્યાણ અને રાષ્ટ્રકલ્યાણ માટે સમર્પિત કર્યો આ મોહનદાસની જેટલી શબ્દવંદના કરીએ એટલી ઓછી છે આજે પણ આપણા “મહાત્મા” , “બાપુ” , “યુગપુરુષ”, “મહામાનવ” , “કર્મવીર”, “રાષ્ટ્રપિતા” , “વિશ્વવિભૂતિ” મોહનદાસ કરમચંદ ગાંધી આપણી હિંદભૂમિ પર એમના સદ્દવિચારોની ચેતના સાથે જીવંત છે એમના વ્યક્તિત્વ ને વિચારોને એમની સ્મૃતિને અનંત વંદન …!!!

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code