કેજરીવાલે નજીબના પરિવારને આપ્યા 5 લાખ રૂપિયા અને સરકારી નોકરી, કપિલ મિશ્રાએ કહ્યુ- આતંકી બનો, ઈનામ મેળવો
- જેએનયુમાંથી ગાયબ થયેલા નજીબના પરિવારને વળતર
- નજીબના પરિવારને 5 લાખ વળતર મામલે કેજરીવાલ પર નિશાન
- કપિલ મિશ્રાનો કટાક્ષ, આતંકી બનો, ઈનામ મેળવો
દિલ્હી વક્ફ બોર્ડે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ગાયબ થયેલા સ્ટૂડન્ટ નજીબ અહમદની માતાને પાંચ લાખ રૂપિયાની આર્થિક મદદ અને તેના ભાઈને નોકરી આપ્યાના તાત્કાલિક બાદ ભાજપ નેતા કપિલ મિશ્રાએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. કપિલ મિશ્રાએ કેજરીવાલને સવાલ કર્યો છે કે રાજ્ય સરકાર ગાયબ થયેલા અન્ય સ્ટૂડન્ટ્સના પરિવારને વળતર કેમ આપી રહી નથી?
ટ્વિટર પર શેયર કરવામાં આવેલા એક વીડિયોમાં કપિલ મિશ્રાએ દાવો કર્યો છે કે દિલ્હી સરકારે ગાયબ થયેલા જેએનયુના સ્ટૂડન્ટ નજીબ અહમદના પરિવારને પાંચ લાખ રૂપિયા અને તેના ભાઈને સરકારી નોકરી આપી છે. મિશ્રાએ સવાલ કર્યો છે કે રાજ્ય સરકારે અન્ય ગાયબ બાળકોના પરિવારને વળતર કેમ આપ્યું નથી?
કપિલ મિશ્રાએ ટ્વિટ કરીને લખ્યુ છે કે કેજરીવાલે ગાયબ થયેલા જેએનયુના વિદ્યાર્થી નજીબના પરિવારને પાંચ લાખ રૂપિયા અને એક સરકારી નોકરી આપી હતી. ચર્ચમાં છે કે નજીબ આઈએસઆઈએસમાં સામેલ થઈ ગયો છે. દિલ્હીમાં દર વર્ષે 8 હજાર બાળકો ગાયબ થઈ જાય છે. તેમના માતાપિતાનો ગુનો શું છે, માત્ર હિંદુ હોવું? કેજરીવાલ માત્ર જેહાદી અને નક્સલીઓને જ નાણાં આપશે ? આ કેવો કાયદો, આ કેવી સરકાર?
એક અન્ય પોસ્ટમાં કપિલ મિશ્રાએ લખ્યુ છે કે કેજરીવાલ સરકારની નવી સ્કીમ આતંકવાદી બનો, ઈનામ મેળવો. 5 લાખ રૂપિયા અને સરકારી નોકરી. દિલ્હીમાં 5 વર્ષમાં 40 હજાર બાળકો ગાયબ થયા છે. તેમાથી માત્ર એક પર કેજરીવાલ મહેરબાન. નજીબ સંદર્ભે ચર્ચા છે કે તે આતંકવાદી બની ચુક્યો છે. પછી કેજરીવાલ માત્ર એક પરિવાર પર મહેરબાન કેમ ?
સોમવારે એટલે કે 30 સપ્ટેમ્બર-2019ના રોજ દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાને ટ્વિટ કર્યું છે કે આજે અમે દિલ્હી વક્ફ બોર્ડમાં ત્રણ વર્ષ પહેલા જેએનયુથી ગાયબ સ્ટૂડન્ટ નજીબની માતાને પાંચ લાખ રૂપિયાની મદદ અને નજીબના ભાઈ હસીબને પાક્કી નોકરી આપી અને 200 જરૂરિયાતમંદ પરિવારોની મદદ કરી.
મહત્વપૂર્ણ છે કે નજીબ 15 ઓક્ટોબર-2016ના રોજ શંકાસ્પદ પરિસ્થિતિમાં ગાયબ થયો હતો. આરોપ છે કે જેએનયુ કેમ્પસમાંથી ગાયબ થયાના એક દિવસ પહેલા નજીબની સાથે કેટલાક વિદ્યાર્થીઓનું ઘર્ષણ થયું હતું. જો કે સીબીઆઈએ કહ્યુ છે કે કોઈપણ પ્રકારની ગુનાહીત ગતિવિધિના પુરાવા મળ્યા નથી.