નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા અને અનુચ્છેદ-370ને હટાવવાનો કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને જમ્મુ-કાશ્મીરની કલમ-370થી આઝાદી પચતી નથી. ગુલામ નબી આઝાદના એક નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે. ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસૈને કહ્યુ છે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પર આઝાદનું નિવેદન શરમજનક છે. આવા પ્રકારના આરોપ પાકિસ્તાનના લોકો લગાવે છે.
શાહનવાઝ હુસૈને કહ્યુ છે કે આઝાદના નિવેદનનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ફોરમ પર પાકિસ્તાન કરશે. આઝાદે પોતાના નિવેદન માટે માફી માંગવી જોઈએ. તેમણે કહ્યુ છે કે અમે પરિસ્થિતિને સુધારવા ઈચ્છીએ છીએ. પરંતુ કેટલાક લોકો પોતાની રાજનીતિના કારણે પરિસ્થિતિ સુધરે તેવું ઈચ્છતા નથી.
ગુલામ નબી આઝાદે અજીડ ડોભાલના વીડિયોને લઈને ટીપ્પણી કરી હતી. શોપિયાંમાં ડોભાલ સ્થાનિકો સાથે ભોજન કરતા હોવાનો એક વીડિયો તાજેતરમાં સામે આવ્યો હતો. તેના પર આઝાદે કહ્યુ હતુ કે તમે નાણાં આપીને કોઈને પણ સાથે લઈ શકો છો.
ભાજપના નેતા ગિરિરાજ સિંહે પણ કોંગ્રેસ અને પાકિસ્તાન એકબીજાની શહ પર બોલી રહ્યા હોવાના સબબનું એક નિવેદન કર્યું છે.