ઈઝરાયલી એન્ટી- ટેન્ક સ્પાઈક મિસાઈલ ખરીદશે ભારતીય સેના, ચાર કિલોમીટર સુધી નિશાન સાધવાની ક્ષમતા
નવી દિલ્હી: ભારતીય સેના ઓપરેશનલ તૈયારીઓ માટે ઈમરજન્સી સ્થિતિમાં ઈઝરાયલી એન્ટી ટેન્ક સ્પાઈક મિસાઈલો ખરીદી રહી છે. આ મિસાઈલો ચોક્કસાઈપૂર્વક નિશાન લગાવવા અને બંકરોને ભેદવાની પણ ક્ષમતા ધરાવે છે. સૂત્રોએ આ ખરીદીના મામલે જાણકારી આપી છે.
સૂત્રોનું કહેવું છે કે આ મિસાઈલો ચાર કિલોમીટર દૂર સુધી નિશાન સાધી શકે છે. તેમને પહાડો અને મેદાન બંને સ્થાનો પર તેનાત કરી શકાય છે. તેને વાહનો, હેલિકોપ્ટર, જહાજ અને જમીની લોન્ચર પરથી છોડી શકાય છે. તેને નિયંત્રણ રેખા પર પણ તેનાત કરી શકાય છે.
મીડિયા અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે બાલાકોટ હવાઈ હુમલા બાદ સેનાએ એપ્રિલમાં ખરીદીને મંજૂરી આપી હતી અને આ મહીને તેના માટે ઓર્ડર પણ આપી દીધો છે. આ મિસાઈલોની ખરીદી પર એપ્રિલમાં થયેલી સેનાના કમાન્ડરોની બેઠકમાં પણ ચર્ચા થઈ હતી.