ચીનની આ વેબસાઇટને ભારત સરકારએ કરી બ્લોક
- ભારત સરકારે ચીનની વેબસાઈટને કરી બ્લોક
- નેશનલ સ્ટેટિસ્ટિક્સ બ્યુરોની અંગ્રેજી વેબસાઇટ પર પ્રતિબંધ
- કેન્દ્ર સરકાર દ્વારા લેવાયો નિર્ણય
ટેલિકોમ વિભાગે ભારતમાં ચીનની નેશનલ સ્ટેટિસ્ટિક્સ બ્યુરોની અંગ્રેજી વેબસાઇટ પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય પૂર્વ લદ્દાખમાં સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે લેવામાં આવ્યો છે. જો કે, આ દરમિયાન ચીન દ્વારા સંચાલિત ગ્લોબલ ટાઇમ્સ અને સરકારી ન્યૂઝ એજન્સી સિન્હુઆને હજી પણ એક્સેસ કરી શકાય છે.
આ વેબસાઇટ ખોલતાં જ એક મેસેજ લખવામાં આવી રહ્યો છે, ‘તમારા દ્વારા અનુરોધ કરેલ યુઆરએલને ભારત સરકારના ટેલિકમ્યુનિકેશન વિભાગ મુજબ બ્લોક કરવામાં આવી છે. વધુ માહિતી માટે એડમિનિસ્ટ્રેટરનો સંપર્ક કરો.
ભારતમાં ઘણી ચાઇનીઝ મોબાઈલ એપ્સ પર મુકવામાં આવ્યો છે પ્રતિબંધ
પૂર્વી લદ્દાખની ગલવાન ધાટીમાં ભારત અને ચીની સેનાઓ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. આ પછી ભારતે મોટા પાયે ચીની મોબાઇલ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં લોકપ્રિય મોબાઇલ એપ્લિકેશન ટિકટોક અને પબજી સહિત લગભગ અઢીસો એપ્લિકેશનો શામેલ છે.
ચીનને લઈને રાજ્યસભામાં રક્ષામંત્રીનું નિવેદન
નોંધપાત્ર વાત એ છે કે રક્ષામંત્રી રાજનાથસિંહે રાજ્યસભામાં ચીન વિશે નિવેદન આપ્યું હતું. જેમાં રાજનાથસિંહે કહ્યું કે, દેશના હિતમાં ભલે ગમે તેટલા મોટા કે કઠોર પગલાં લેવામાં આવે, ભારત પાછળ નહીં હટે. તેમણે કહ્યું કે, ભારત ન તો પોતાનું મસ્તક ઝૂકાવવા દેશે અને ન કોઈનું મસ્તક ઝૂકાવવા માંગે છે. તેમણે રાજ્યસભામાં એમ પણ કહ્યું કે એલએસી પર શાંતિની કોઈપણ ગંભીર પરિસ્થિતિનો દ્વિપક્ષીય સંબંધો પર ચોક્કસ અસર પડશે. બંને પક્ષે પણ આને ખૂબ સારી રીતે સમજવું જોઈએ.
_Devanshi