નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને ફરી એકવાર વાતચીત કરવાની રજૂઆત કરી છે. ઈમરાન ખાને એસસીઓ સમિટ પહેલા મોદીને પત્ર લખ્યો છે અને કહ્યુ છે કે પાકિસ્તાન કાશ્મીર સહીત તમામ મુદ્દાઓ પર વાતચીત કરવા માટે તૈયાર છે. ઈમરાન ખાને કહ્યુ છે કે પ્રાદેશિક વિકાસ માટે જરૂરી છે કે સાથે મળીને કામ કરવામાં આવે. ઈમરાન ખાને પીએમ મોદીને એ વાતનો ભરોસો અપાવ્યો છે કે પાકિસ્તાન કાશ્મીર સહીત તમામ સમસ્યાઓનું સમાધાન ચાહે છે.
પીએમ મોદીની ફરીથી સત્તા વાપસી બાદથી પાકિસ્તાન સતત ભારતની સાથે વાતચીત કરવાની કોશિશમાં લાગેલું છે. પરંતુ ભારતે સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદીઓ પર કાર્યવાહી નહીં કરે, ત્યાં સુધી વાતચીત થઈ શકશે નહીં. પીએમ મોદીના કૂટનીતિક દબાણે પાકિસ્તાનને દુનિયાભરમાં અલગ-થલગ કરી દીધું છે. જેના કારણે તંગહાલીની અણિએ ઉભેલું પાકિસ્તાન વિનંતી કરી રહ્યું છે.
મોદીએ પીએમ પદે શપથગ્રહણ કર્યાને એક સપ્તાહનો સમય જ પસાર થયો છે, પરંતુ તેનાથી પરેશાન પાકિસ્તાનને અત્યારથી જ તારા દેખાય રહ્યા છે. પાકિસ્તાન ભારત સાથે વાતચીતની વિનંતીઓ કરી રહ્યું છે. ભારતની અણદેખીથી પાકિસ્તાન ઘૂંટણિયે આવી ચુક્યું છે અને કોઈપણ પ્રકારના ખરાબ માહોલને પોતાના પક્ષમાં કરવાની કોશિશમાં છે. મોટી વાત એ છે કે આ કવાયતમાં પાકિસ્તાનના પ્રધાનથી લઈને વડાપ્રધાન સુધી સૌ લાગેલા છે. ક્રિકેટરમાંથી પાકિસ્તાનના વડાપ્રધાન બનેલા ઈમરાન ખાને પીએમ મોદીને આના સંદર્ભે એક પત્ર લખ્યો છે.
પહેલા દરેક વાત પર ધમકી આપનારા પાકિસ્તાને હવે ભારતના દબાણમાં અચાનક 360 ડિગ્રીની પલટી મારી છે. આ મોદીનો ડર છે કે જેણે પાકિસ્તાનને સંરક્ષણાત્મક મુદ્રામાં આવવા માટે મજબૂર કર્યું છે. પાકિસ્તાનના નાપાક ઈરાદા અને નિવેદનો જોતા પીએમ મોદીએ પોતાની ચૂંટણી રેલીઓમાં પાકિસ્તાનને કડક સંદેશો આપ્યો હતો. તે સંદેશની અસર છે કે પાકિસ્તાન હવે પોતાના અસલ સ્થાન પર પહોંચી ગયું છે. તબાહીની અણિ પર ઉભેલું પાકિસ્તાન હવે સંબંધોને સારા બનાવવાની દુહાઈ આપી રહ્યું છે.
13-14 જૂને કીર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં એસસીઓ સમિટ થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એસસીઓ સમિટમાં સામેલ થવા માટે કીર્ગિસ્તાન જશે, જ્યાં પાકિસ્તાનના વઝીરે આઝમ ઈમરાન ખાન પણ પહોંચશે. પાકિસ્તાનને આખરી આશા કીર્ગિસ્તાનથી જ બચી હતી કે કોઈપણ પ્રકારે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ જાય. પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું છે કે બિશ્કેકમાં શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન એટલે કે એસસીઓના શિખર સંમલેનથી અલગ બંને નેતાઓની વચ્ચે કોઈ દ્વિપક્ષીય વાતચીત થશે નહીં.
પીએમ મોદીએ મુલાકાતના માહોલને બનાવવા માટે ઈમરાન ખાને પોતાના વિદેશ સચિવ સોહેલ મહમૂદને ભારત મોકલ્યા હતા. પરંતુ ઈમરાની આ ચાલ પણ કામિયાબ થઈ નથી અને ભારતીય વિદેશ મંત્રાલયે તેમને ખાલી હાથે પાછા મોકલ્યા હતા. આ તે પાકિસ્તાન છે જ્યાં અત્યાર સુધી મુઠ્ઠીભર આતંકવાદીઓના દમ પર ભારતને તબાહ કરવાનો મનસૂબો ધરાવતું હતું. પરંતુ જ્યારથી પીએમ મોદીએ સત્તામાં ફરીથી વાપસી કરી છે, તેના સૂર બદલાયા છે. પીએમ મોદીએ પાકિસ્તાનની તમામ માનસિકતાને ખોખલી સાબિત કરી છે.