વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આકરી ચેતવણી આપતા કહ્યુ છે કે જો તે અમેરિકાના હિતો પર હુમલો કરશે, તો તેને નષ્ટ કરી દેવામાં આવશે. ટ્રમ્પે રવિવારે ટ્વિટ કર્યું છે કે જો ઈરાન લડવા ઈચ્છે છે, તો આ ઈરાનનો સત્તાવાર અંત હશે. અમેરિકાને ફરીથી ક્યારેય ધમકી આપતા નહીં.
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે. અમેરિકાએ ઈરાનથી ખતરાને કારણે ખાડીમાં એક એરક્રાફ્ટ કેરિયર અને બી-52 બોમ્બવર્ષક તેનાત કર્યા છે.
ઈરાનના વિદેશ પ્રધાન મોહમ્મદ જવાદ જરીફે ચીનની પોતાની યાત્રાના આખરમાં સરકારી ન્યૂઝ એજન્સી આઈઆરએનએને શનિવારે જણાવ્યુ હતુ કે અમે એ વાતને લઈને નિશ્ચિત છીએ, કોઈ યુદ્ધ થશે નહીં, કારણ કે ન તો અમે યુદ્ધ ઈચ્છીએ છીએ અને ન તો કોઈને એ ભ્રમ છે કે તેઓ ક્ષેત્રમાં ઈરાનનો સામનો કરી શકે છે.
ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધ ગત વર્ષ એ વખતે વધુ ખરાબ થયા હતા, જ્યારે ટ્રમ્પ વહીવટી તંત્ર 2015ના પરમાણુ કરારથી પાછળ હટયું હતું અને તેણે ઈરાન પર ફરીથી પ્રતિબંધ લગાવી દીધો હતો.