દિલ્હીઃ પ્રેમની કોઈ સીમા અને કોઈ પરિભાષા નથી હોતી.. ભારતમાં પ્રેમનું પ્રતિક ગણાતા તાજમહેલને નીહાળવા માટે દેશ-વિદેશથી અનેક પ્રવાસીઓ આવે છે. ત્યારે કર્ણાટકના એક ઉદ્યોગપતિએ પોતના પ્રેમને જીતીવ રાખવા અને પત્ની સાથેની યાદોને તાજી રાખવા માટે મૃત્યુ પામેલી પત્નીની યાદમાં એક મકાન બનાવ્યું છે. એટલું જ નહીં ઘરમાં પત્નીનું સિલિકોન વેક્સનું એકદમ આબેહૂબ પુતળું બનાવડાવ્યું છે. તાજેતરમાં તેમના નવા ઘરમાં ગૃહપ્રવેશ વખતે ઉદ્યોગપતિની પત્નીનું પુતળુ જોઈને મહેમાનો પણ ચોંકી ઉઠ્યાં હતા. તેમજ 3 વર્ષ પહેલા મૃત્યુ પામેલી ઉદ્યોગપતિની પત્ની હાજર હોવાનો લોકોએ અહેસાસ કર્યો હતો.
કર્ણાટકના ઉદ્યોગપતિ શ્રીનિવાસ ગુપ્તાની પત્નીનું વર્ષ 2017માં માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. ઉદ્યોગપતિ, બે પુત્રી અને પત્ની માધવી કારમાં પસાર થતા હતા ત્યારે ટ્રક સાથે કારનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માધવી શ્રીનિવાસનું અવસાન થતા પરિવાર તેમના વિરહમાં ગરકાવ થઈ ગયો હતો. આ મુશ્કેલીના સમયમાંથી બહાર નીકળ્યા બાદ ઉદ્યોગપતિએ પોતાની પત્નીની યાદમાં એક મકાન બનાવવાનું અને તેની યાદોને જીવંત રાખવાનો દ્રઢ નિર્ધાર કર્યો હતો. તેમજ પત્ની માધવીની યાદમાં તેમની એક એવી મૂર્તિ બનાવવા માંગતા હતાં કે જે એકદમ સાચી લાગે. તેમણે અનેક કલાકારોનો સંપર્ક કર્યો પરંતુ સફળતા ન મળી. દરમિયાન જાણીતા આર્કિટેક્ટ રંગનાન્નવરે તેમનું આ સપનું પૂરું કર્યું હતું. તેમણે શ્રીનવાસનની મુલાકાત કલાકાર શ્રીધર મૂર્તિ સાથે કરાવી અને તેમણે સિલિકોન વેક્સનું એકદમ આબેહૂબ માધવી જેવું જ પુતળું બનાવી આપ્યું હતું. પત્ની જેવુ જ દેખાતુ પુતળુ જોઈને શ્રીનિવાસ ભાવવિભોર થઈ ગયા હતા. આ પૂતળું બનાવા માટે એક વર્ષનો સમય લાગ્યો હતો.
તાજેતરમાં શ્રીનિવાસના પરિવારે નવા મકાનમાં ગૃહપ્રવેશ કર્યો હતો. આ પ્રસંગ્રે બંને પુત્રીઓએ માધવીની મૂર્તિને તેની ફેવરેટ ગુલાબી સાડી અને ઘરેણાથી સજાવી હતી. ત્યારબાદ મૂર્તિને સોફા પર બેસાડીને શ્રીનિવાસ પોતે તે મૂર્તિની બાજુમાં બેસી ગયા હતા. ગૃહપ્રવેશ કાર્યક્રમમાં આવેલા મહેમાનો પણ શ્રીનિવાસ ગુપ્તા સાથે તેમની જોઈને આશ્ચચકિત થઈ ગયા હતા.