પાકિસ્તાન 1000 વર્ષ જૂનું એક મંદિર ખોલ્યું, પણ 1100 મંદિરો, 500 ગુરુદ્વારાઓની દુર્દશાનો ઈમરાન આપશે જવાબ?
પાકિસ્તાનના સિયાલકોટમાં હજાર વર્ષ જૂનું શવાલા તેજા સિંહ મંદિર તાજેતરમાં ખોલવામાં આવ્યું છે. તેની ભારતીય મીડિયામાં ખાસી પ્રસંશા થઈ રહી છે.
આને ઈમરાન ખાનની પાકિસ્તાની સરકાર પોતાના લઘુમતીઓ ખાસ કરીને હિંદુ-શીખો પ્રત્યે ઉદાર વલણ તરીકે પ્રચારીત કરી રહી છે. પરંતુ પાકિસ્તાનમાં રહેતા 75 લાખ જેટલા હિંદુઓ છેલ્લા 72 વર્ષોથી જીવતાજીવત નરકમાં રહેતા હોય તેવો અનુભવ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં હિંદુ બહેન-દીકરીઓ પર મુલ્લા-મૌલવીઓના મિશન ધર્માંતરણનો ડોળો મંડાયેલો હોય છે. તો પાકિસ્તાનમાં રહેતા હિંદુઓને તેમનો મૂળભૂત પૂજા કરવાનો અધિકાર પણ ઈમરાનખાનની સરકાર આપી રહી નથી.
પાકિસ્તાનમાં ઘણાં એવા મંદિરો અને ગુરુદ્વારાઓ છે કે જે આજે પણ બંધ છે. વિભાજન બાદ હિંદુઓ મોટા પ્રમાણમાં પાકિસ્તાન છોડીને ભારત ચાલ્યા ગયા હોવાને કાણે મંદિરો અને ગુરુદ્વારાઓની દેખરેખ રાખવા માટે કોઈ બચ્યું નહીં હોવાના તર્ક પાકિસ્તાની સરકાર દ્વારા અપાતા રહ્યા છે.
પરંતુ હકીકત એ છે કે પાકિસ્તાનમાં ઘણાં મંદિરો કમર્શિયલ કોમ્પ્લેક્સ કે પ્લાઝા બની ગયા છે. પાકિસ્તાનમાં જ્યારે ઈવેક્યૂઈ ટ્રસ્ટ બોર્ડ બનાવવામાં આવ્યું હતું, ત્યારે 1130 મંદિરો અને 517 આવા ગુરુદ્વારા હતા, જે બોર્ડની કસ્ટડીમાં હતા.
પરંતુ આજે અહીં 1130 મંદિરોમાંથી માત્ર 30 ખોલવામાં આવ્યા છે. જ્યારે 517 ગુરુદ્વારાઓમાંથી માત્ર 17 ગુરુદ્વારા ચાલી રહ્યા છે અને બાકીના 500 હજીપણ બંધ છે.
પંડિત જવાહરલાલ નહેરુ અને લિયાકત અલી ખાન વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે, ઈવેક્યૂઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડના અધ્યક્ષ હિંદુ હોવા જોઈએ. જેવું કે ભારતમાં મસ્જિદો અને ઈસ્લામિક સંસ્થાઓના અધ્યક્ષ મુસ્લિમ હોય છે. પરંતુ અફસોસની વાત એ છે કે પાકિસ્તાનમાં કોઈ હિંદુ ઈવેક્યૂઈ ટ્રસ્ટનો અધ્યક્ષ બન્યો નથી.
વળી પાકિસ્તાન દર વર્ષે એક-એક હિંદુ મંદિર ખોલશે, તો 1100 મંદિરો ખુલવામાં અને 500 ગુરુદ્વારઓના ખુલવામાં સદીઓ વીતી જશે. ઈમરાન ખાનની સરકાર અને પાકિસ્તાનની સેના-આઈએસઆઈ દુનિયાભરને એક-એક મંદિર ખોલીને ઉઠા ભણાવવાનું કામ કરી રહી છે અને પોતાના દેશમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓને બેફામપણે છાવરી રહી છે.
1992માં બાબરી ધ્વંસની ઘટના બાદ પાકિસ્તાનમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓએ 200 હિંદુ મંદિરોને તોડી પાડયા હતા. સિંધ અને નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સમાં હિંદુઓએ પોતાના મકાનો ગુમાવ્યા અને મોટા પ્રમાણમાં તેમનું વિસ્થાપન પણ થયું હતું. આણ છતાં પણ પાકિસ્તાનમાં હિંદુઓ વસવાટ કરી રહ્યા છે. 1947, 1965, 1971 એમ ત્રણ વખત મોટા માઈગ્રેશન હિંદુઓના પાકિસ્તાનથી થયા હતા. આ સિવાય હિંદુઓ પાકિસ્તાની મુલ્લાપંથીઓના ત્રાસથી ભારતમાં આશ્રય લેવા માટે આવતા રહે છે. પાકિસ્તાનની સરકાર હિંદુઓના સાચા આંકડા પણ દુનિયાથી છૂપાવી રહી છે, જેથી તેઓ તેમના ધર્માંતરણ અને હત્યા બેફામપણે કરાવી શકે. પાકિસ્તાનમાં મોટાભાગના હિંદુઓ સિંધ પ્રાંતમાં વસવાટ કરે છે. આ સિવાય નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સમાં પણ હિંદુઓની વસ્તી છે.
પાકિસ્તાનમાં હિંદુ સમુદાય એક અવાજ વગરનું સામાજીક જૂથ છે. પોતાના ગૌરવ અને મૂલ્યો સાથે પાકિસ્તાની હિંદુઓ જીવન જીવવા માટે મજબૂર છે. પાકિસ્તાની સરકાર હિંદુઓ નાગરિકોને મદદરૂપ થાય તેવું ભાગ્યે જ બન્યું છે. પાકિસ્તાની હિંદુઓની મહિલાઓ-બાળકો, સંપત્તિ અસુરક્ષિત છે અને તેમને વારંવાર ભેદભાવનો શિકાર બનવું પડે છે.
પાકિસ્તાનમાં મોટાભાગના પ્રાચીન હિંદુ મંદિરોમાંથી પ્રતિમાઓને ગાયબ કરી દેવામાં આવી છે. કલાર કહાર ખાતેના કટાસરાજ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવાયો છે. પરંતુ આવા ઘણાં મંદિરો છે કે જેને તેના સમ્માન પાછા આપવા પડે.
પાકિસ્તાન હિંદુ રાઈટ્સ મૂવમેન્ટ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ, માત્ર 20 જેટલા હિંદુ મંદિરો બચ્યા છે. બાકીના મંદિરો બાકીના હિંદુ ધર્મસ્થાનોને બીજા કામકાજોમાં વાપરવામાં આવે છે. 1992માં બાબરી ધ્વંસ બાદ પાકિસ્તાનમાં 1000 જેટલા સક્રિય અને ભૂતપૂર્વ હિંદુ મંદિરો પર હુમલા કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાનમાં ઘણાં હિંદુ મંદિરોમાં મૂર્તિઓ જ નથી, તો મંદિરની બહાર પવિત્ર સ્નાન માટેના સરોવર સુકાભંઠ્ઠ છે. હિંદુ મંદિરોને કોમર્શિયલ અને રહેણાંક ઉપયોગ માટે લીઝ પર આપી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનના હિંદુઓની માલિકી ધરાવતી 135000 એકર જમીન ધ ઈક્યૂ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડના કંટ્રોલમાં છે.
ડેરા ઈસ્માઈલ ખાનમાં કાલી બારી હિંદુ મંદિરને મુસ્લિમ ભાડૂઆતને ભાડે આપવામાં આવ્યું છે. આ ઐતિહાસિક મંદિરનો ઉપયોગ હોટલ તરીકે થાય છે.
ફ્રન્ટિયર કોન્સ્ટેબ્યૂલરીના અધિકારીઓએ ઈટીપીબીની મદદથી ડેરા ઈસ્માઈળ ખાનના સ્મશાનઘાટને પણ કબજે કર્યું છે. પાકિસ્તાની હિંદુઓ મરવા માટે પણ તૈયાર નથી, કારણ કે મર્યા બાદ તેમની ધાર્મિક આસ્થાને ચોટ પહોંચી રહી છે. પાકિસ્તાનમાં હિંદુઓ માટે અંતિમ ક્રિયા માટે સ્મશાન ઘાટ ઉપલબ્ધ નહીં હોવાથી તેમને બળજબરીપૂર્વક દફનાવવાં આવે છે. આ હિંદુ આસ્થાનું અપમાન છે અને પાકિસ્તાની હિંદુ પોતાની ધાર્મિક આસ્થાના સંરક્ષણને લઈને ચિંતિત છે.
ખૈબર પખ્તૂનખ્વાના બન્નૂ જિલ્લાનું હિંદુ મંદિર હવે મિઠાઈની દુકાન છે, કોહાટનું શિવમંદિર સરકારી પ્રાથમિક શાળામાં ફેરવી દેવાયું છે. ખૈબર પખ્તૂનખ્વાના પાટનગરમાં આવેલા આવા જ ઐતિહાસિક આસામાઈ મંદિરને પેશાવર કેન્ટ સરકારી કન્યા શાળામાં ફેરવી દેવાયું છે.
અબોટાબાદમાં શીખ ધાર્મિક સ્થળ ગુરુદ્વારા ગલીને ગારમેન્ટ સ્ટોરમાં બદલી નાખવામાં આવ્યું છે. ઈસ્લામાદ ફેડરલ કેપિટલના સઈદપુર મોડલ વિલેજમાં આવેલા મંદિરને પિકનિક સાઈટમાં ફેરવી દેવાયું છે. ઈસ્લામાબાદ ખાતેના બીજા મંદિર રાવલ દમને બંધ કરી દેવામાં આવ્યું છે.
પંજાબના રાવલપિંડીના કેન્દ્રીય વિસ્તારમાં આવેલા હિંદુ ટેમ્પલને તોડી પાડવામાં આવ્યું છે. જ્યારે ચકવાલમાં દશ વિખ્યાત મંદિરોના ભુવન તરીકે ઓળખાતા કોમ્પ્લેક્સને સ્થાનિક મુસ્લિમો કમર્શિયલ ઉદેશ્યોથી ઉપયોગ કરી રહ્યા છે.
પાકિસ્તાનના કેટલાક હિંદુ મંદિરોની દુર્દશાની તસવીરો ખરેખર અરેરાટી પેદા કરે તેવી છે.