- પાકિસ્તાનમાં મોંઘવારીએ શાકાહારનું પ્રચલન વધાર્યું
- પાકિસ્તાન ઉભરતા શાકાહારી દેશ તરીકે હાલ સૌથી આગળ
- ઈમરાન ખાનની સરકારે બનાવ્યું છે પાકિસ્તાનને કંગાળ
- પીએમ મોદી સામે બાખડવામાં પાકિસ્તાનમાં વધી મોંઘવારી
ઈસ્લામાબાદ : રાજધાની ઈસ્લામાબાદમાં રેસ્ટોરેન્ટ ચલાવનારા 55 વર્ષીય રાજા અયૂબ દરરોજ નજીકની દુકાનમાંથી શાકભાજી ખરીદવા જાય છે. તેઓ ગત દશ વર્ષથી રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે. તાજેતરમાં તેમણે જોયું કે પાકિસ્તાનીઓ વચ્ચે શાકાહારી ભોજનના ઉપયોગનો ટ્રેન્ડ વધી રહ્યો છે. પાકિસ્તાનના ઘણાં સારા લોકો શાકાહારને અપનાવી રહ્યા છે. તેની પાછળ ઘણાં કારણો છે. પરંતુ મુખ્ય કારણ માંસની કિંમતોમાં ઝડપથી થયેલો વધારો અને વધતી ગરીબી છે. 20 કરોડથી વધુ લોકોની વસ્તી ધરાવતા પાકિસ્તાનમાં આર્થિક મંદી આવી ચુકી છે.
પાકિસ્તાનના ખાનપાનમાં બદલાયેલા ટ્રેન્ડના કારણે અયૂબ હેરાન-પરેશાન છે. તેઓ પોતાના રેસ્ટોરન્ટમાં પિરસવામાં આવેલા ભોજનમાં ફેરફાર કરવા માટે લાચાર છે. તે જણાવે છે કે મને ખબર નથી કે પાકિસ્તાનીઓને શું થઈ ગયું છે? તેમના ખાનપાનની આદતમાં પરિવર્તનના કારણે પોતાના મેન્યૂમાં ફેરફાર કર્યો છે. માંસની ખપતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને તે સૌથી નીચલા સ્તર પર આવી ગયું છે.
પાકિસ્તાનમાં મોટાભાગે લોકો માંસાહાર કરવા માટે દુનિયામાં જાણીતા છે. પરંતુ અચાનક તેમની આદતોમાં પરિવર્તન આવ્યું છે. અયૂબને લાગે છે કે લોકો કદાચ પોતાના આરોગ્ય બાબતે ચિંતિત છે અને તેના કારણે માંસ ખાઈ રહ્યા નથી અથવા બીજું કારણ એ પણ હોઈ શકે કે વધતી મોંઘવારી અને આર્થિક સ્થિતિ કરાબ થવાને કારણે માંસ ખરીદવાના નાણાં પણ ન હોય. તાજેતરના સંશોધનમાં સામે આવ્યું છે કે ગત કેટલાક વર્ષોમાં આખી દુનિયામાં શાકાહાર અપનારાઓની સંખ્યા વધી છે. અયૂબનો અનુભવ પણ આ સંશોધનના પરિણામો સાથે મેળ ખાઈ રહ્યો છે.
યુરોમોનિટર દ્વારા બજારના અભ્યાસમાં એ વાત સામે આવી છે કે પાકિસ્તાન દુનિયાનું સૌથી ઝડપથી ઉભરતું શાકાહારી રાષ્ટ્ર બની ગયું છે. જે દુકાન પરથી અયૂબ શાકભાજી ખરીદે છે, ત્યાં દરેક સમયે લોકોની ભીડ રહે છે. શાકભાજી વેચનારા રેહાનનું કહેવું છે કે શાકભાજીની માગણી સતત વધી રહી છે. તેમની દુકાન પર હંમેશા ભીડ લાગેલી રહે છે. ત્યાં દરરોજ સવારે તાજા શાકભાજી આવે છે અને થોડાક સમયમાં વેચાઈ જાય છે.
પહેલા પાકિસ્તાનને માંસ ખાનારા લોકોના દેશ તરીકે ઓળખવામાં આવતું હતું. અહીં માંસની ઘણી વેરાયટી જેવી કે કરહીસ, બીફ, મટન, કોલસા પર પકાવવામાં આવેલ ચિકન મળે છે. પરંતુ તાજેતરમાં વધતી મોંઘવારી અને ખરાબ આર્થિક પરિસ્થિતિને કારણે નિમ્ન આવક વર્ગ અને મધ્યમ આવક વર્ગના લોકોએ માંસ ખાવાનું ઓછું કર્યું છે કે તેને બંધ કર્યું છે. ઘણાં લોકોએ આ વાતની પુષ્ટિ કરી છે કે તેઓ પસંદથી નહીં પણ મજબૂરીમાં શાકાહારી બની ગયા છે, કારણ કે તેઓ માંસ ખરીદી શકતા નથી.
ઈસ્લામાબાદના વતની 40 વર્ષીય શહનાઝ બેગમ ઘરકામ કરનાર નોકરાણી છે. તે માંસની વધતી કિંમતોથી ખુશ નથી. ગત વર્ષના મુકાબલે તેમની આવક વધી છે. તેમ છતાં તેઓ આઠ સદસ્યોવાળા પોતાના પરિવારના ભોજન માટે ઘણો સંઘર્ષ કરી રહ્યા છે. તેઓ કહે છે કે ગત વર્ષ સુધી અમે એક માસમાં પાંચ વખત મીટ ખાતા હતા. પરંતુ ઈમરાન ખાનની સરકાર બન્યા બાદ મહીનામાં એક વાર પણ મીટ ખાવા બાબતે વિચાર કરવો પડે છે. ઈમરાનખાનની સરકાર બન્યા બાદ ઈસ્લામાબાદમાં શાકભાજીની કિંમત પણ બેગણી થઈ છે.
આર્થિક મામલાના જાણકાર શાહબાજ રાણા કહે છે કે આ કોસ્ટ પુશ ઈન્ફ્લેશન છે. જેમા સામાન્ય રીતે નિમ્ન આવક અને મધ્યમ આવકવાળા સમૂહોના લોકો ખર્ચ કરવાની પોતાની આદતોને બદલવા માટે મજબૂર બની જાય છે. ગત એક વર્ષમાં ડોલરના મુકાબલે પાકિસ્તાની રૂપિયાની કિંમત એક તૃતિયાંશ જેટલી ઘટી ગઈ છે. તેના કારણે દાળ સહીત અન્ય ચીજોના ભાવ વધ્યા છે. પરિવહન, ગેસ અને વીજળીના ખર્ચમાં વધારાને કારણે મર્યાદીત આવકવાળા લોકો પોતાનો અન્ય ખર્ચ ઓછો કરવા માટે મજબૂર બન્યા છે.
રાણાનું કહેવુ છે કે શહેરી વિસ્તારના લોકો આરોગ્યને લઈને ભલે શાકાહાર તરફ વળ્યા હોય. પરંતુ તેનું એક કારણ એ પણ છે કે તેમની પાસે માંસ ખરીદવા માટેના નાણાં નથી. પાકિસ્તાનમાં રેડ મીટ અને ચિકનની કિંમત સતત વધી રહી છે. આ વધતી કિંમતોને નિયંત્રિત કરવા માટે કોઈ સંસ્થા નથી.
પાકિસ્તાનના પોલ્ટ્રી એસોસિએશનના અધિકારીઓએ પણ માન્યું છે કે કિંમતોમાં વધારો અને વર્તમાન આર્થિક તંગીના કારણે ચિકનની માંગમાં ઘટાડો થયો છે. પાકિસ્તાન પોલ્ટ્રી એસોસિએશનના ઉપાધ્યક્ષ સલીમ અખ્તરે કહ્યુ છે કે પોલ્ટ્રીનો વ્યવસાય નુકસાનમાં છે. ગત નવ માસમાં ઘણું વધારે ઉત્પાદન થયું અને માંગ ઘણી ઓછી રહી. આવું પહેલા ક્યારેય થયું નથી.