નવી દિલ્હી: જી-20 શિખર સંમેલનનું આયોજન જાપાનના ઓસાકામાં થઈ રહ્યું છે. આ સંમેલન 28 અને29 જૂને આયોજીત કરવામાં આવશે. આ સંમેલનમાં પીએમ મોદી 10 દ્વિપક્ષીય બેઠકો કરશે. જેમાં ફ્રાંસ, જાપાન, ઈન્ડોનેશિયા, અમેરિકા અને તુર્કીની સાથે પીએમ મોદી બેઠકો કરશે.
જી-20 સમિટમાં બ્રિક્સ દેશો પણ સામેલ છે. બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના નેતાઓ હાજર રહેશે. રશિયા, ભારત અને ચીન(RIC)ની અલગ બેઠક યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ આમને-સામને હશે.
આ બેઠખને લઈને તમામ સદસ્ય દેશોની નજરો મંડાયેલી છે. આ સંમેલનમાં વિશ્વના તમામ શક્તિશાળી નેતાઓ મળશે. તો આ બેઠકમાં અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપાર યુદ્ધને સમાપ્ત કરવાની કવાયત પણ કરવામાં આવશે. ટ્રમ્પ અને જિનપિંગ સંમેલનમાં બેઠક કરશે. જણાવવામાં આવે છે કે વ્યાપાર યુદ્ધને ટાળવાના મામલે વાતચીતની શક્યતા છે.
જી-20માં વિશ્વના 20 શક્તિશાળી દેશો સામેલ છે. જેમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, ચીન, યુરોપિયન યુનિયન, ફ્રાંસ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, બ્રિટન અને અમેરિકા સામેલ છે. સ્પેન આ સમૂહનું સ્થાયી અતિથિ છે.
જી-20નું નિર્માણ 1999માં કરવામાં આવ્યું હતું. જી-20 સમૂહ જી-7નું જ વિસ્તરણ છે. જે વિશ્વમાં આવનારી આંતરરાષ્ટ્રીય નાણાંકીય સંકટના મામલાનું સમાધાન કરે છે. 2011થી પહેલા તેના સદસ્ય દેશ વર્ષમાં બે વખત બેઠક કરતા હતા. પરંતુ 2011 બાદ હવે એક જ વાર બેઠક કરવામા આવે છે. આ બેઠકમાં દેશના વ્યાપાર પ્રધાન, નાણાં પ્રધાન અને કેન્દ્રીય બેંકના ગવર્નર પણ સામેલ હોય છે. જે વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓ માટે એજન્ડા નક્કી કરે છે.