સુપ્રીમ કોર્ટ: ચાર નવા ન્યાયાધીશોએ ગ્રહણ કર્યા શપથ, 11 વર્ષ બાદ જજોની નિર્ધારીત સંખ્યા પૂર્ણ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ શુક્રવારે સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશોને પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરાવ્યા છે. હવે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિર્ધારીત સંખ્યા (31) પૂર્ણ થઈ ગઈ છે. નવા ન્યાયાધીશોમાં જસ્ટિસ અનિરુદ્ધ બોસ, જસ્ટિસ એ. એસ. બોપન્ના, જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંત સામેલ છે. કોલેજિયમે થોડા દિવસો પહેલા તેમના નામની ભલામણ કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે ચાર ન્યાયાધીશોની નિયુક્તિ માટે આદેશ જાહેર કર્યો હતો.
સરકારે 2008માં સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 26થી વધારીને 31ની કરી હતી. તેના પછી આ પહેલો મોકો છે કે જ્યારે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોનું કોઈ પદ ખાલી નથી. અત્યાર સુધી સુપ્રીમ કોર્ટ 27 ન્યાયાધીશોની સાથે કામગીરી કરી રહી હતી.
વરિષ્ઠતા ક્રમાંક પ્રમાણે, જસ્ટિસ ગવઈ 2025માં છ માસ માટે મુખ્ય ન્યાયાધીશ બનશે. તેઓ જસ્ટિસ (રિટાયર્ડ)કે. જી. બાલકૃષ્ણન બાદ અનુસૂચિત જાતિમાંથી આવનારા બીજા મુખ્ય ન્યાયાધીશ હશે.
તેમના પછી જસ્ટિસ સૂર્યકાંત તેમના ઉત્તરાધિકારી હશે અને નવેમ્બર-2025થી ફેબ્રુઆરી-2027 સુધી મુખ્ય ન્યાયાધીશનું પદ સંભાળશે. જસ્ટિસ ગવઈ બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ, જ્યારે જસ્ટિસ સૂર્યકાંત હિમાચલપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહી ચુક્યા છે.
કેન્દ્ર સરકારને વરિષ્ઠતા ક્રમાંકને ટાંકીને જસ્ટિસ બોસ અને જસ્ટિસ બોપન્નાની નિમણૂકની કોલેજિયમની ભલામણને નકારી દીધી હતી. તેના ઉપર સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેન્દ્રની દલીલને નામંજૂર કરતા નિયુક્તિની ભલામણ ફરીથી કેન્દ્ર સરકારને મોકલી હતી. જસ્ટિસ બોસ ઝારખંડ હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ હતા અને ન્યાયાધીશોની વરિષ્ઠતાના ક્રમાંકમાં 12મા ક્રમાંકે છે. જસ્ટિસ બોપન્ના ગૌહાટી હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ હતા અને ન્યાયાધીશોની વરિષ્ઠતાના ક્રમાંકમાં 36માં સ્થાન પર છે.