1. Home
  2. મોદી વિરુદ્ધ વારાણસીમાં નોમિનેશન રદના નિર્ણયને બરતરફ BSF જવાન તેજબહાદુરે પડકાર્યો, પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

મોદી વિરુદ્ધ વારાણસીમાં નોમિનેશન રદના નિર્ણયને બરતરફ BSF જવાન તેજબહાદુરે પડકાર્યો, પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

0

બીએસએફના બરતરફ સિપાહી તેજબહાદુર યાદવે વારાણસી સંસદીય સીટ પરથી નોમિનેશન રદ થયા પછી સુપ્રીમ કોર્ટના બારણા ખખડાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી બીજીવાર ચૂંટણી લડી રહ્યા છે. તેજબહાદુરે તેમને પડકારવા માટે 29 એપ્રિલના રોજ સપા ઉમેદવાર તરીકે નોમિનેશન ફાઇલ કર્યું હતું, પરંતુ તપાસ પછી ચૂંટણીપંચે તેને રદ કરી દીધું. હવે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ સુપ્રીમ કોર્ટમાં યાદવની પેરવી કરશે.

સપાના ચિહ્ન પર નોમિનેશન ભરતા પહેલા તેજબહાદુર અપક્ષના ઉમેદવાર તરીકે પહેલા પણ નોમિનેશ દાખલ કરી ચૂક્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારીએ તેજબહાદુરને નોટિસ મોકલી હતી. તેમાં કહ્યું હતું કે તેમના એફિડેવિટમાં નોકરીમાંથી બરતરફ થવાના અલગ-અલગ કારણ દર્શાવવામાં આવ્યા છે. જવાબ આપવા માટે તેમને 1 મે સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ચૂંટણીપંચના જણાવ્યા પ્રમાણે, જો કોઈ કર્મચારી સરકારી નોકરીમાંથી બરતરફ થાય તો તેની જાણકારી આપવી જરૂરી હોય છે. ત્યારબાદ આદેશ પછી તે નોમિનેશન ફાઇલ કરે છે. પરંતુ, તેજબહાદુરે તેનું પાલન ન કર્યું.

બંને નોમિનેશન રદ થયા પછી હવે તેજબહાદુર સપા ઉમેદવાર શાલિની યાદવના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા છે. ગત દિવસોમાં તેમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી. તેના પર યાદવે કહ્યું કે મારા વિરુદ્ધ સતત કાવતરાં થઈ રહ્યાં છે. ભાજપ જાણે છે કે અસલી ચોકીદાર ક્યાંક નકલીને ટક્કર ન આપી દે. મારું મિશન શાલિની યાદવને જીતાડવાનું છે. તે મારી બહેન છે અને હું ભાઈની ફરજ નિભાવીશ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.